ઓનલાઇન ટ્રેડિંગ કરવાથી ફાયદો કરી આપવાના બહાને વડોદરાના યુવક સાથે મહિલા ઠગ દ્વારા રૂપિયા 1.42 લાખની ઠગાઈ
Vadodara Cyber Crime : સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીએ મિત્રતા કેળવી ઓનલાઈન ટ્રેડમાં નફાની લાલચ આપી શહેરના યુવક પાસેથી ટુકડે ટુકડે 1.42 લાખ રૂપિયા ખંખેરી લેતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અજાણી મહિલા અને મળતીયાઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. પોલીસ પ્રસાશન લોકોને જાગૃત કરવા સાથે જરૂરી કાર્યવાહી પણ ત્વરિત હાથ ધરી ગુનાઓ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક યુવક ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો છે. શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા જીગ્નેશ રમણલાલ જાનીને ફેસબુક ઉપર સંજના સુબ્રમની નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. તેણે જીગ્નેશ જાનીને સલાહ આપી હતી કે, ઓનલાઇન ટ્રેડ કરવાથી ફાયદો થશે અને તેની લિંક સાથે કસ્ટમર નંબર મોકલ્યા હતા. શરૂઆતમાં જીગ્નેશ જાનીએ રૂ.10,000 ઇન્વેસ્ટ કર્યા બાદ સામેથી પ્રોફિટનું જણાવતા બીજા રૂ.11,000 જમા કરાવ્યા હતા. અને ત્યારબાદ ટેક્સ પેટે રૂ. 17000 જમા કરાવ્યા હતા. આમ ટુકડે ટુકડે કુલ 1.42 લાખ જમા કરાવ્યા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમણે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.