Get The App

પોરબંદરમાં રોકાણની લાલચ આપી રૂ. 60 લાખથી વધુની છેતરપીંડી

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
પોરબંદરમાં રોકાણની લાલચ આપી રૂ. 60 લાખથી વધુની છેતરપીંડી 1 - image


પંજાબમાં કાર્યરત હોલી ડે હર્ટઝ કંપનીના નામે અને લાકોને ફસાવ્યા : બગોદરા હાઇવે પર પ્લોટીંગની સ્કીમ બતાવીને રૂ. 6 લાખના રોકાણ પર 15 મહિનામાં દોઢ ગણું વળતર આપવાનું કહ્યા બાદ ચીટર ગેંગ છૂમંતર

પોરબંદર, : પોરબંદરમાં હોલીડે હર્ટઝ કંપનીમાં પ્લોટ માટે રોકાણની લાલચ આપી રૂ. ૬૦ લાખથી વધુની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં મહત્વની બાબત એ છે કે પંજાબના મોહાલી ખાતે કાર્યરત કંપનીના સંચાલકોએ બગોદરા હાઇવે પર પ્લોટની સ્કીમમાં લાભ થશે તેમ જણાવી અનેકનેબોટલમાં ઉતાર્યા હોવાનું બહાર આવ્યુ છે.

પોરબંદરમાં કડીયાપ્લોટમાં રહેતા અને છાયાચોકી પાસે શ્રધ્ધા હેલ્થકેર નામનું આયુર્વેદિક મેડિકલ સ્ટોર ચલાવતા મૂળ નાગકાના વતની કરશન હમીરભાઇ રાણાવાયા નામના ૪૪ વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ(ઇન ફાયનાન્સીય અધિનિયમ )એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. જેમાં એવુ જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૦ની સાલમાં પોરબંદરના સુદામામંદિરના એ સમયના પૂજારી એવા તેના મિત્ર હિતેશ રામાવતે વાત કરી હતી કે પંજાબના ચંડીગઢ ખાતેથી તરૂણ છાબડા નામનો વ્યક્તિ પોરબંદર આવે છે અને પ્લોટ લેવા હોય તો સારી સ્કીમ આપે છે. પોરબંદરની એક હોટલમાં તે રોકાયો હતો. આથી હિતેશ રામાવત દ્વારા તેની મુલાકાત થઇ હતી. તરૂણ છાબડાએ એવુ કહ્યુ હતુ કે પંજાબના મોહાલી ખાતે જીરકનગરમાં હોલીડે હર્ટઝ નામની કંપની આવેલી છે જેમાં કંપનીના એમ.ડી. તરીકે શાશા સુભમ અમરીશ ગુપ્તા અને ભાગીદારો મધુ સુભમ ગુપ્તા ઉર્ફે મધુ કોહલી તથા સંદીપ વેદ પાંડે છે અને એવી સ્કીમ સમજાવી હતી કે પૈસાનું રોકાણ કરો તો તેની સામે બગોદરા હાઇવે પાસે ૧૦૦ ચો.વાર પ્લોટનો સિકયુરીટી પેટે દસ્તાવેજ કરી આપવામાં આવશે અને ૧૫ મહિનાના સમયબાદ પ્લોટના છ લાખની રકમ ઉપર દોઢ ગણી રકમ એટલે કે નવ લાખ રૂપિયા આપવામાં આવશે.

ત્યારપછી ફરીયાદીએ તેના મિત્રો જયેશભાઇ છગનલાલ માંડવીયા, મુકેશભાઇ ગોવિંદભાઇ પોશીયા તથા સમીર લખમણભાઇ વાઢીયા વગેરે સાથે વાત થઇ હતી તેઓએ જણાવ્યુ હતુ કે મિત્ર ગોપાલભાઇ પાણખાણીયા દ્વારા રાજકોટના ધીરૂભાઇ સોની મારફતે તરૂણ છાબડાની ઓળખ થઇ છે અને પોરબંદરની એક હોટલમાં સ્કીમ સમજાવવા સેમિનાર કર્યો હતો. ત્યાર પછી મધુગુપ્તા સાથે જલારામ કોલોની ખાતે પણ સેમિનાર યોજી ભોજન કરાવી લોભામણી વાતો કરી કંપની ખૂબજ વિશ્વાસુ છે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ કોરોના મહામારી ફેલાતા ભારતમાં લોકડાઉન થયુ હતુ અને વાહનવ્યવહાર પણ બંધ થઇ ગયો હતો. તરૂણ છાબડા અને શાશા ગુપ્તાના મોબાઇલ બંધ થઇ ગયા હતા.

મે-2024માં આયુર્વેદિક દવાના કામથી ફરિયાદી કરશન હમીરભાઇ રાણાવાયા પંજાબ ગયો હતો અને તપાસ કરતા મોહાલી ખાતેની કંપનીની ઓફિસ પણ બંધ થઇ ગઇ હતી. આથી ભારતના અલગ- અલગ રાજ્યમાં હોલીડે હર્ટઝ નામની ઓફિસ દ્વારા અલગ-અલગ રાજ્યમાં લોભામણી સ્કીમ અંગે મિટીંગ કરી, મોટી રકમ મેળવી દસ્તાવેજ કરી આપતા નહી હોવાનું બહાર આવ્યુ હતુ.આ શખ્સો સામે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બે પોલીસ સ્ટેશન અને પંજાબના સાદાર પઠાણકોટ પોલીસસ્ટેશનમાં, ઉત્તરકાશી જિલ્લાના બયકોટ પોલીસ સ્ટેશનમાં, દહેરાદુન જિલ્લાના વિકાસનગર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે છેતરપીંડીના અલગ-અલગ ગુન્હાઓ દાખલ થયાનું જાણવા મળ્યુ હતું. 


Google NewsGoogle News