જામનગરના વેપારીને ભાગીદારીમાં ધંધો કરવો ભરી પડ્યું, ભાવનગરના શખ્સે કર્યા જાણબહાર 37 કરોડના ટ્રાન્જેક્શન
Jamnagar Fraud Case : જામનગરના બ્રાસપાટના એક વેપારી કે જેઓ ભાગીદારીમાં ધંધો કરવાના બહાને ભાવનગરના એક શખ્સની છેતરપિંડીનો શિકાર બન્યા છે અને જીએસટી વાળી પેઢીના એકાઉન્ટનો દૂર ઉપયોગ કરી 37 કરોડના વ્યવહાર કરી નાખી વેપારી સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં કૈલાશ નગર વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા મીત રસિકભાઈ ગડારા નામના વેપારીએ પોતાની સાથે ભાગીદારીમાં ધંધો કરવાના બહાને પોતાના જીએસટી નંબર અને બેન્ક એકાઉન્ટ વગેરે મેળવી લઈ 37 કરોડના બેનામી વ્યવહાર કરી નાખી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે ફરિયાદ મૂળ જામનગરના નૂરી ચોકડી વિસ્તારના રહેવાસી અને હાલ ભાવનગર રહેતા હનીફ શૈખ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મિત રસિકભાઈએ પોતાની બ્રાસ ની પેઢી બનાવી હતી, અને ધંધો કરતા હતા. પરંતુ તેઓએ કામ બંધ કરી દીધું હતું, અને છેલ્લા કેટલાક સમયથી તેઓની પેઢીમાં કોઈ વ્યવહાર થયા ન હતા.
દરમિયાન આરોપી હનીફ શેખ તેના સંપર્કમાં આવ્યો હતો, અને ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરતાં મિત પટેલે પોતાના બેંક એકાઉન્ટ અને જીએસટી નંબર સહિતના કાગળો અને ચેક જી.એસ.ટી.ના ડોક્યુમેન્ટ આપ્યા હતા, અને પોતે જામનગરથી ભાવનગર રહેવા ચાલ્યો ગયો હતો. જેની સાથે ટેલિફોનિક વાતચીત કરતાં હાલ મંદી છે એટલે થોડા સમય પછી ધંધો શરૂ કરશે તેમ કહી સમય કાઢયે રાખ્યો હતો.
ત્યારબાદ તેણે મીતના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા તેમજ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જેથી ફરિયાદી યુવાનને શંકા જતાં તેણે પોતાના ખાતાનું બેન્ક એકાઉન્ટ તપાસ્યું હતું, જે તપાસણી દરમિયાન તેના ખાતામાંથી 37 કરોડના બેનામી વ્યવહારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને હનીફ શૈખ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે.