કરમસદના અધીરાજ બંગલોના બિલ્ડર ચિંતન સંઘવી વિરૂદ્ધ ઠગાઇની રજૂઆત
- 2022 માં પ્લોટ લઈ ગ્રાહકે બંગલો બાંધ્યો હતો
- વેચાણ દસ્તાવેજ અંગે બિલ્ડરે વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ સાથે ગ્રાહકની આણંદ ટાઉન પોલીસ મથકે અરજી
આણંદ : આણંદ પાસેના કરમસદ સ્થિત બનેલા અધીરાજ બંગલો યોજનામાં બિલ્ડરે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે આણંદ ટાઉનમાં રજૂઆત કરી છે. જે અંગે બિલ્ડરે દસ્તાવેજી પુરાવા રજૂ કરી નિષ્પક્ષ તપાસની માંગણી સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી છે.
આણંદ પાસેના કરમસદ વિસ્તારમાં સર્વે નંબર ૧૦૨/૪વાળા સ્થળે અધિરાજ બંગલો નામની સાઇટ થોડા વર્ષ પૂર્વે અમલમાં મૂકાઈ હતી. જેમાં ઓગસ્ટ-૨૦૨૨માં પરિમલભાઈ ભગવતપ્રસાદ પટેલને રજીસ્ટર દસ્તાવેજથી તમામ ઉલ્લેખ સાથે એક પ્લોટ વેચવામાં આવ્યો હતો. બાદમાં પરિમલભાઈ દ્વારા બાંધકામ કરી બંગલાનું નિર્માણ કરી તેનો રહેણાંક મકાન તરીકે ઉપયોગ શરૂ કરાયો હતો.
ત્યારબાદ વેચાણ રજીસ્ટર દસ્તાવેજના લગભગ બે વર્ષ બાદ બિલ્ડર ચિંતનભાઈ સંઘવી દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવતા વિવાદ વકર્યો હતો.
આ અંગે બિલ્ડર ચિંતન સંઘવી અને પત્ની લીનાબેન સંઘવી દ્વારા પણ સમગ્ર મામલે દસ્તાવેજી પૂરાવા રજૂ કરી ઝીણવટ ભરી ચકાસણી હાથ ધરવાની માંગણી સાથે પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ છે.