જામનગરના બ્રાસપાટના કારખાનેદાર સાથે તેના જ મહેતાજીએ આચરી છેતરપિંડી : બંધ પેઢીના GST નંબરથી 5 કરોડના બોગસ ટ્રાન્જેક્શન કર્યા
Jamnagar Fraud Case : જામનગરના એક કારખાનેદાર સાથે તેના જ મહેતાજીએ ચીટીંગ કર્યું છે, અને બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા વેપારી સામે સમન્સ ઇસ્યુ કર્યું હોવાથી આ મામલાનો ભાંડો ફૂટ્યો હતો, અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેતાજીની અટકાયત કરી છે. તેની પાસેથી થોકબંધ સાહિત્ય પણ મળી આવ્યું છે.
જામનગરમાં તિરુપતિ પાર્કમાં રહેતા અને અગાઉ બ્રાસ પાર્ટનું કારખાનું ચલાવતા જ્યારે હાલ પૂજા પાઠ અને કર્મકાંડનો વ્યવસાય કરતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડ્યા નામના 36 વર્ષના યુવાને પોતાના જૂના ધંધાના નામે બોગસ જી.એસ.ટી ટ્રાન્ઝેક્શન કરી અંદાજે પાંચેક કરોડનું કૌભાંડ આચરવા અંગે પોતાને ત્યાં અગાઉ મહેતાજી તરીકે કામ કરતા રાજુભાઈ જગેટીયા મારવાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએ અગાઉ પોતાના પિતાની સાથે બ્રાસપાર્ટનું કારખાનું ચલાવ્યું હતું, પરંતુ 2020માં તેની પેઢી બંધ કરી દીધી હતી, અને હાલ પોતે અને કર્મકાંડનું કામ કરી રહ્યા છે. ત્યારે તેને જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતાં પોતે ચોકી ગયા હતા, અને સમગ્ર મામલાની તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે તેને ત્યાં અગાઉના મેતાજી રાજુભાઈ જજેટીયા કે જે ફરિયાદીની ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી કૈલાશ મેટલ ખાતે રિદ્ધિ સિદ્ધિ કાસ્ટિંગ નામની પેઢી જે બંધ હોવા છતાં તેને ફરી ચાલુ કરી ફરિયાદીની જાણકાર બહાર ICICIમાં ખાતું ખોલાવવી રૂપિયા પાંચ લાખની લોન મેળવી લીધી હતી. જે લોનના પૈસાનો તેણે અલગ-અલગ વ્યક્તિને ચુકવણું પણ કરી દીધું હતું.
આ ઉપરાંત બેંકના ખોટા એકાઉન્ટ વખતે જીએસટીમાં 2020 થી 2024 સુધી ધંધાકીય ડોક્યુમેન્ટ રજૂ કરીને ખોટી રીતે ક્રેડિટ ઇનપુટ મેળવી લીધા હતા, અને રૂપિયા પાંચેક કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરિયાદી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા પોતાના જ અગાઉના માતાજી રાજુભાઈ ખેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી સી. ડિવિઝનના પોલીસ સબ. ઇન્સ્પેટરે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે, અને આરોપી રાજુભાઈને અટકાયતમાં લઈ લીધો છે.
જેને સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરાઈ રહ્યો છે, જ્યારે તેની પોતાની પેઢીની ઓફિસમાં નિરીક્ષણ કરતાં ફરિયાદીના કારખાનાને લગતું થોકબંધ સાહિત્ય મળી આવ્યું છે. જે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.