વડોદરા પાસેના પિલાેલ ગામે વિશ્વામિત્રીના પૂરમાં તણાયેલા યુવકને બચાવવા ચાર યુવકો મગરો વચ્ચે કૂદી પડ્યા
વડોદરાઃ વડોદરા નજીક પિલોલ ગામે વિશ્વામિત્રી નદીના ધસમસતા વહેણમાં તણાયેલા એક યુવકને ગામના ચાર યુવકોએ જાનની બાજી લગાવી બચાવી લીધો હતો.બચાવ કામગીરીનો વીડિયો વાયરલ પણ થયો છે. વડોદરા નજીક દેણા ગામ પાસે આવેલું સાવલી તાલુકાના પિલોલ ગામમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વિશ્વામિત્રીમાં જ્યારે પણ પૂર આવે ત્યારે સૌથી પહેલું અસરગ્રસ્ત ગામ પિલોલ બનતું હોય છે.કારણકે આખું ગામ બેટમાં ફેરવાઇ જાય છે અને અવરજવર પણ બંધ થઇ જાય છે.
પિલોલ ગામની સમસ્યાના ઉકેલ માટે પૂર્વ સરપંચ મીનાબેન અને અન્ય આગેવાનોએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી અને તેને કારણે પિલોલ ગામમાં વિશ્વામિત્રી નદી પર બ્રિજ બન્યો હતો.પરંતુ તેમ છતાં હજી પણ પિલોલની પૂરની સમસ્યા દૂર થઇ નથી. વળી આ નદીમાં મગરો પણ મોટી સંખ્યામાં હોય છે.
પરિણામે વિશ્વામિત્રીમાં પૂર આવતાં બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.જે દરમિયાન બ્રિજ પરથી ગામમાં જવા માટે ચડેલા કાદર નામના એક યુવકનો પગ લગસી જતાં તે પાણીના પ્રવાહમાં ગરકી ગયો હતો.આ વખતે અહીં ગ્રામજનો પાણી જોવા માટે મોટી સંખ્યામાં હાજર હતા.
વિશ્વામિત્રી નદીના પૂર કરતાં લોકોમાં મગરોની વધુ ધાક,મગરો દેખાવા માંડયાઃભૂંડના શિકારનો વીડિયો વાયરલ
યુવકને જોતાં જ ત્યાં હાજર હરિશ હીરાભાઇ વણકર, હિતેષ હસમુખભાઇ વણકર,હરિશ મનુભાઇ વણકર અને ભૂપેન્દ્ર મણિલાલભાઇ પરમાર દોરડા અને ટયુબ લઇને કૂદી પડયા હતા અને મગરો હોવા છતાં હિંમતપૂર્વક યુવકને બચાવી લીધો હતો. ચારેય યુવકોની હિંમતને ગ્રામજનોએ તાળીઓથી બિરદાવી હતી.