માતાએ મોબાઇલમાં ચાર વર્ષની પુત્રીને ફોટા બતાવ્યા અને હવસખોર ઓળખાયો
સુરત ઓલપાડરોડ પર રહેતાં પીએચડી થયેલા યુવાનની ધરપકડ ઃ બાળકીને સુરત સિવિલમાં ખસેડાઇ
વડોદરા, તા.12 વડોદરા-ડભોઇરોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગના ગરબાના કાર્યક્રમમાં સુરતથી માતા-પિતા સાથે આવેલી ચાર વર્ષની બાળકી સાથે સુરતમાં જ રહેતા પીએચડી અપરિણીત યુવાને શારીરિક અડપલાં કર્યા હોવાનું બહાર આવતાં પોલીસે હવસખોરની સુરતથી ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે સુરતમાં રહેતી ચાર વર્ષની બાળકી તેના માતા અને પિતા સાથે નજીકના સંબંધીના લગ્નમાં તા.૨ના રોજ વડોદરા આવી હતી. વડોદરા નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં લગ્ન પહેલાં ગરબાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટમાં ગરબાં ચાલતા હતા ત્યારે બાળકીને એક શખ્સ એક ખુણામાં લઇ ગયો હતો અને ગુપ્ત ભાગે અડપલાં કરી મોંઢૂં દબાવી દીધું હતું. હવસખોરે બાળકીને કિસ પણ કરી હતી.
લગ્ન પૂર્ણ થતાં બાળકી તેના માતા અને પિતા સાથે તા.૪ના રોજ સવારે વડોદરાથી સુરત જતા રહ્યા હતાં. દરમિયાન માતા પુત્રીને સ્નાન કરાવતી હતી ત્યારે પુત્રીએ ગુપ્ત ભાગે દુઃખે છે તેવી ફરિયાદ કરતાં માતાએ વિગતવાર પૂછતાં પુત્રીએ ગરબા દરમિયાન થયેલી ઘટના જણાવી હતી. પુત્રીની વાત સાંભળી માતાની ચિંતા વધી ગઇ હતી અને તેણીએ તુરંત જ પુત્રી સાથે દુષ્કૃત્ય કોણે કર્યું તે જાણવા માટે પોતાનો મોબાઇલ લઇને લગ્નમાં પાડેલા ફોટા બતાવતા પુત્રીએ લગ્નમાં સુરતથી જ આવેલા પિયુષ સુરેશભાઇ અંજીરીયા (રહે.ઓલપાડરોડ, કતારગામ, સુરત)ને ઓળખી કાઢ્યો હતો.
આ ઘટના બાદ પુત્રીને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી અને તે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદમાં વરણામા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં પીઆઇ એસ.જે. વાઘેલાએ સ્ટાફ સાથે સુરત પહોંચી બાળકીને હવસનો શિકાર બનાવનાર ૩૯ વર્ષના પિયુષની ધરપકડ કરી તેને વડોદરા લાવવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પિયુષ પોતે અપરિણીત છે તેમજ તેણે ઇતિહાસ વિષયમાં પીએચડીની ડિગ્રી પણ મેળવી છે.