બાલાસિનોરમાં ઉમેદવારી રદ થયેલા ચાર કાર્યકરો ભાજપમાંથી પણ સસ્પેન્ડ
- ઈમેલ બાદ વોર્ડ નં.-4 માં નામાંકનપત્રો રદ કરાયા હતા
- લુણાવાડાના 4, સંતરામપુરના 13 મળી મહીસાગર જિલ્લામાં 21 કાર્યકરોની સભ્ય પદેથી હકાલપટ્ટી
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આજરોજ બાલાસિનોર નગરપાલિકા સહિત મહીસાગર જિલ્લાની લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકામાં ભાજપના કાર્યકર અન્ય પક્ષ કે અપક્ષની અંદર ઉમેદવારી કરી હોય તેવા ૨૧ લોકોને સસ્પેન્ડ કરી નાખતા રાજકીય હડકંપ મચી ગયો છે. ત્યારે બાલાસિનોર નગર પાલિકાના વોર્ડ નંબર-૪માં મૂળ ભાજપના કાર્યકર શિવાની પટેલ, જીજ્ઞોશ મહેરા, જયંતીભાઈ પટેલ અને જ્યોતિકાબેન અધ્વર્યુંએ ભાજપ પક્ષ સામે એનસીપીના મેન્ડેટથી ઉમેદવારી કરી ચૂંટણી લડવા ફોર્મ ભર્યા હતા. પરંતુ, એનસીપી દ્વારા બોગસ મેન્ડેટથી ચૂંટણી લડતા હોવાનું જણાઈ આવતા ચારેયની ઉમેદવારી રદ થઈ હતી. ત્યારે હવે ભાજપ પક્ષે પણ આ ચારેય કાર્યકરોને સસ્પેન્ડ કરી પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. જેથી ચારેય કાર્યકરોની હાલ ન ઘરના કે ન ઘાટના જેવી થઈ છે. લુણાવાડામાં ૪ અને સંતરામપુરમાં ૧૩ સહિત કુલ ૨૧ કાર્યકરોને ભાજપે પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે.