વડોદરામાં જર્જરિત ઈમારત ધરાશાયી થતા ચાર લોકો ઈજાગ્રસ્ત, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Vadodara News : ગુજરાતના વડોદરાના સમતા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના 35 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા અલકાપુરીમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો
જ્યારે ગત 16 એપ્રિલના રોજ વડોદરાના અલકાપુરી મેઇન રોડ પર આવેલી જર્જરિત દર્પણ બિલ્ડિંગના સ્લેબનો ભાગ ધરાશાયી થતા જાનહાની થતા રહી ગઈ હતી. અલકાપુરી ચાર રસ્તા પાસે આવેલી દર્પણ બિલ્ડિંગમાં અગાઉ ફાયર સેફ્ટી નહીં હોવાથી સીલ મારવામાં આવ્યું હતું.
આ બિલ્ડિંગ વર્ષો જૂની હોવાથી તેના કેટલાક ભાગોમાં તિરાડો પડી ગઈ હતી. આ બિલ્ડિંગના સ્લેબનો એક મોટો ભાગ ધરાશાયી થતાં નીચે ઉભેલી રીક્ષાને નુકસાન થયું હતું. રીક્ષાનો આગળનો ભાગ દબાયો હોવાથી મોટું નુકસાન રહી ગયું હતું અને ચાલકનો બચાવ થયો હતો.