બ્રેનડેડ શિક્ષિકાના અંગોથી ચાર દર્દીઓને નવું જીવન મળશે
શિક્ષિકાના અંગો ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ લઇ જવાયા
વડોદરા,અકસ્માત પછી બ્રેનડેડ જાહેર થયેલી શિક્ષિકાના ચાર અંગોનું દાન કરવામાં આવ્યું છે. ચાર અંગોને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.
ન્યૂ સમા રોડ શાંતિ નગર સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષના કિરણબેન રાજેન્દ્રપ્રસાદ ખેરવા શિક્ષિકા હતા. ગત ૨૦ મી તારીખે તેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ટુ વ્હીલર સ્લિપ થઇ જવાના કારણે તેઓને માથામાં ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન પછી છ દિવસ સુધી તેઓની સારવાર કરવામાં આવી હતી. પરંતુ, તેઓ ભાનમાં નહીં આવતા તેઓેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવાર ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતા રેલવે હોસ્પિટલના ડો.દિપાલી તિવારી દ્વારા તમામ કાયદાકીય કાર્યવાહીની પૂર્તતા કરવામાં આવી હતી. આજે સવારે ગાંધીનગરથી આવેલી મેડિકલ ટીમે લિવર, હાર્ટ અને કિડનીને અન્ય દર્દીઓ માટે બચાવી લેવાયા હતા. વડોદરાથી ગ્રીન કોરિડોર કરીને તમામ અંગો અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. ઓર્ગન ડોનેશનથી ચાર દર્દીઓના જીવનમાં નવી રોશની પથરાશે.