બ્રેનડેડ દર્દીના હાર્ટ, કિડની અને લિવર ડોનેટ કરાતા ચાર દર્દીઓને નવું જીવન મળશે
ઉત્તરાયણની વહેલી સવારે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો : ટ્રસ્ટ દ્વારા દર મહિને પરિવારને ૧૧ હજાર રૃપિયાની મદદ કરવાનો નિર્ણય
વડોદરા,ઉત્તરાયણની વહેલી સવારે પાંચ વાગ્યે તરસાલીમાં રહેતા ૫૧ વર્ષના પ્રૌઢને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ડોક્ટરોની ટીમના પ્રયાસો છતાંય દર્દી બ્રેન ડેડ થતા તેમના પરિવારે ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો હતો. દર્દીના હાર્ટ, કિડની અને લિવરથી ચાર વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે.
તરસાલી વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષના દિનેશભાઇ માયાવંશી મસાલાની કંપનીમાં નોકરી કરતા હતા. પત્ની, પુત્ર સહિત પરિવારના અન્ય સભ્યો સાથે રહેતા દિનેશભાઇને ઉત્તરાયણના દિવસે બ્રેન સ્ટ્રોક આવતા તેઓને સારવાર માટે ડભોઇ રોડ વિસ્તારની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ દ્વારા તેઓને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ, બીજે દિવસે એટલે વાસી ઉત્તરાયણના દિવસે ડોક્ટરોની ટીમ દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તેમના પરિવારને ઓર્ગન ડોનેશન માટે સમજાવવામાં આવ્યો હતો. છેવટે પરિવાર ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતા મૃતકનું હાર્ટ, બે કિડની અને એક લિવર ડોનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે હોસ્પિટલના ડો. દિપાલી તિવારી દ્વારા કાયદાકીય કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરોની ટીમ દ્વારા તેમના હાર્ટ, કિડની અને લિવરને ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત તથા અમદાવાદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલી આપવામાં આવ્યા છે. ઓર્ગન ડોનેશનના કારણે ચાર દર્દીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે.
હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત છે. મૃતકનો ૨૧ વર્ષનો પુત્ર ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરે છે. જ્યાં સુધી તે પગભર નહીં થાય ત્યાં સુધી અમારા ટ્રસ્ટ દ્વારા તેમના પરિવારને દર મહિને ૧૧ હજાર રૃપિયાની મદદ કરવામાં આવશે.