વૃદ્ધ વેપારીના રૂ.17 લાખના હીરા લઈ જવેલ સ્ટાર ડિઝાઇનના ચાર ભાગીદારે પેમેન્ટ કર્યું નહીં
મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મૂળ ભાવનગરના વેપારી પાસે મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા ચારેયે દલાલ મારફતે હીરા ખરીદ્યા હતા
પેમેન્ટ પેટે આપેલા ચેક હાલ બજારમાં મંદી છે કહી જમા નહીં કરવા કહી બાદમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું
- મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મૂળ ભાવનગરના વેપારી પાસે મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા ચારેયે દલાલ મારફતે હીરા ખરીદ્યા હતા
- પેમેન્ટ પેટે આપેલા ચેક હાલ બજારમાં મંદી છે કહી જમા નહીં કરવા કહી બાદમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું
સુરત, : સુરતના મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મૂળ ભાવનગરના વૃદ્ધ વેપારી પાસે મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા જવેલ સ્ટાર ડિઝાઇનના ચાર ભાગીદારે દલાલ મારફતે રૂ.17 લાખના હીરા ખરીદી પેમેન્ટ પેટે આપેલા ચેક હાલ બજારમાં મંદી છે કહી જમા નહીં કરવા કહી બાદમાં સ્ટોપ પેમેન્ટ કરાવી ઠગાઈ કરતા મહિધરપુરા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર સોની ફળી વડવા ચોરાના વતની અને સુરતમાં રાંદેર રોડ તાડવાડી હનુમંત ચોક આનંદ વાટીકા ઘર નં.303 માં રહેતા 62 વર્ષીય હીરા વેપારી કેતનભાઈ પ્રતાપરાય શાહ મહિધરપુરા જદાખાડી રંગરેજ ટાવરમાં ઓફિસ ધરાવે છે.પરિચિત હીરા દલાલ હિતેશભાઈ મારફતે કેતનભાઈ મહિધરપુરા હીરાબજાર ગોળ શેરી ઘર નં.6/1062 સ્થિત જવેલ સ્ટાર ડિઝાઇનના ચાર ભાગીદાર પિંકેશભાઇ જયેશભાઇ જાડાવાલા ( ઉ.વ.33, રહે.ઇ/203, ટાઈમ ગેલેક્ષી, જહાંગીરપુરા કેનાલ રોડ, સુરત ), ગૌરવ કાંતીલાલ પાનવાલા ( ઉ.વ.32, રહે.બી/703, ગ્રીન તુલીપ રેસિડન્સી, જહાંગીરપુરા કેનાલ રોડ, સુરત ), રાકેશ શશીકાંતભાઇ ખરવર ( ઉ.વ.50, રહે.એફ/101, શશાંક પાર્ક, ગુજરાત ગેસની ઓફીસની બાજુમાં, અડાજણ ગામ, સુરત ) અને નયનકુમાર કનૈયાલાલ ગજ્જર ( ઉ.વ.39, રહે.ઝાડા બાવાનુ મંદીર, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ) ના સંપર્કમાં આવ્યા હતા.
હીરાના વેપાર સાથે જવેલરી પણ બનાવતા ચારેયે 5 ડિસેમ્બર 2023 ના રોજ કેતનભાઈ પાસે રૂ.17,00,072 ની કિંમતના હીરા ખરીદ્યા હતા.તેના પેમેન્ટ પેટે ચારેયે તેમને પાંચ ચેક આપ્યા હતા.જોકે, તે ચેક હાલ બજારમાં મંદી છે તેમ કહી જમા કરવા ના પાડી તેમણે બે મહિના પસાર કર્યા હતા.ત્યારબાદ પણ તેમણે વાયદાઓ ચાલુ રાખતા કેતનભાઈએ ગત 6 ફેબ્રુઆરી 2024 ના રોજ ચેક બેંકમાં જમા કર્યા તો તમામ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે રિટર્ન થયા હતા.આ અંગે કેતનભાઈ તેમની સાથે વાત કરવા ગયા ત્યારે તેમને યોગ્ય જવાબ મળ્યો નહોતો અને પેમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.આ અંગે કેતનભાઈએ ચારેય વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.તેના આધારે મહિધરપુરા પોલીસે ગતરોજ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.