સુરતમાં 25 થી 37 વર્ષની વયના વધુ ચાર યુવાનના એકાએક મોત
- ડીંડોલીમાં 25 વર્ષીય યુવાન, અમરોલીમાં 27 વર્ષીય યુવાન, સારોલીમાં 32 વર્ષીય યુવાન અને હજીરામાં 37 વર્ષના યુવકની તબિયત લથડતા મોત થયું
સુરત,:
સુરત
શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો
સતત વધી રહ્યા છે. તેવા સમયે ડીંડોલીમાં ૨૫
વર્ષીય યુવાન, અમરોલીમાં ૨૭ વર્ષીય યુવાન, સારોલીમાં ૩૨ વર્ષીય યુવાન
અને હજીરામાં ૩૭ વર્ષના યુવકની એકાએક તબિયત લથડતા બેભાન થયા બાદ મોતને ભેટયા હતા.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ રાજસ્થાન બાંસવાડાના વતની અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો ૨૫ વર્ષીય ગુડ્ડુ વરા મહિદા બુધવારે સાંજે શાકભાજી લેવા માટે પગપાળા જતો હતો. તે સમયે ડીંડોલીમાં મધુરમ સર્કલ પાસે તે અચાનક બેભાન થઈને ઢળી પડયો હતો. જેથી તેને૧૦૮ માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરો તેને મૃત જાહેર કર્યો હતો. જયારે ગુડ્ડુ ના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. હાલ તેની પત્ની ૮ માસનો ગર્ભ છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બીજા બનાવમાં અમરોલીમાં રાધિકા પોઈન્ટ પાસે રિવન્ટા લક્ઝરી રેસીડેન્સીમાં રહેતો ૨૭ વર્ષીય ધર્મેશ મધુભાઈ સોરઠીયા બુધવારે રાત્રે ઘરમાં એકાએક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રીજા બનાવવામાં સારોલીમાં સણિયા હેમાદમાં શ્યામ એમ્બ્રોસ ખાતે સિલાઇ ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો ૩૨ વર્ષીય અબ્દુલ માજીદ શાહ આજે સવારે ત્યાં અચાનક તબિયત લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ પશ્ચિમ બંગાળ વતની હતો. તેને સંતાનમાં એક પુત્રી છે. ચોથા બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળ વતની અને હાલમાં હજીરામાં દશામા મંદિર પાસે રહેતો ૩૭ વર્ષીય સંજય રામમેન નટ્ટા ગત સાંજે હજીરાના મોરા ગામ જતા રોડ પર હિન્દુસ્તાન કોલોની પાસે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને મિત્ર સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્રી છે. તે હજીરાનીકંપનીમાં મજુરી કામ કરતો હતો.