અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ યુવકને માર માર્યો
- સુરેન્દ્રનગરના મીયાણાવાડમાં
- યુવકને છરીનો ઘા ઝીંકી લાકડાના ધોકા વડે માર મારતા ચાર શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના મીયાણાવાડ શેરી નં.૧માં ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ એક શખ્સને છરીના ઘા ઝીંકી તેમજ લાકડાના ધોકા વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સની માતાએ એ-ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના અજરામર ટાવર પાસે મીયાણાવાડ શેરી નં.૨માં રહેતા ફરિયાદી જાયદાબેન હબીબભાઈ માણેક અને તેમનો પુત્ર મુસ્તુફા ઉર્ફે રાજા ઘરે સુતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ઘર પાસે દેકારો થતાં ફરિયાદી જાગી ગયા હતા અને શેરીમાં જોતા તેમનો નાનો દિકરો હસન ઉર્ફે આશીષ કબુતરવાળા અપુલભાઈના પુત્ર સાથે બોલાચાલી કરી રહ્યો હતો. આથી ફરિયાદીએ ત્યાં જઈ પુછપરછ કરતા નાના દિકરાને કોઈ કારણોસર મશ્કરીમાં ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આથી દિકરાને સમજાવી ઘરે લઈ આવ્યા હતા ત્યારબાદ મીયાણાવાડ શેરી નં.૧માં રહેતા અપુલભાઈના દિકરાનો મિત્ર સદામભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટી સહિતના ચાર શખ્સોએ આવી ફરિયાદીના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજા સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આથી ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ એકસંપ થઈ ફરિયાદીના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજાને છરીનો ઘા ઝીંકી તેમજ માથાના ભાગે લાકડાનો ધોકો મારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનારની માતાએ સદામભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટી, રહિમ ઈબ્રાહીમભાઈ ભટ્ટી, ઈલીયાસ ઈબ્રાહીમભાઈ ભટ્ટી અને ઈબ્રાહીમભાઈ હારૂનભાઈ ભટ્ટી (તમામ રહે.સુરેન્દ્રનગર)સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.