અંજારમાં વેપારીને બંધક ઘરમાંથી લૂંટને અંજામ આપનાર ગેંગનાં ચાર સાગરીતો ઝડપાયા
પોલીસ પૂછપરછમાં વધુ ચારનાં નામ ખુલ્યા
લૂંટ કરેલા સોના - ચાંદીનાં ઘરેણાં અને ઈક્કો કાર સહીત કુલ ૩.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
મૂળ રાપર સુરબાવાંઢ હાલે મિથીલા સોસાયટીની બાજુમાં સાંગનદીના કાંઠે પતરા વાળા મકાનમાં રહેતા અને કરિયાણાની દુકાન ચાલાવતા હિતેશભાઈ સોડાભાઈ કોળીનાં મકાનમાં ગત ૨૩ ડિસેમ્બરનાં રાત્રે એક વાગ્યાનાં અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા ચાર શખ્સો ફરિયાદીનાં મકાનમાં રાત્રે અપપ્રવેશ કરી ફરિયાદીની આંખો અને મોઢા પર રૂમાલ બાંધી તેને ખાટલામાં બાંધી દઈ બંધક બનાવી ફરિયાદીની માતા મીઠીબેન અને વેવણ જમુબેનને છરી અને ધારિયા બતાવી મારી નાખવાની ધમકી આપી તેમણે પહેરેલા અલગ અલગ સોના - ચાંદીનાં દાગીના સહીત કુલ ૭૭ હજારનાં માલમત્તાની લૂંટ કરી નાસી જતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.જે બનાવમાં પોલીસે ઘરમાં લૂંટ કરનાર શખ્સો ૩૦ વર્ષીય અલ્પેશ બાબુભાઇ કોળી (મૂળ આડેસર રાપર હાલે રહે. મેઘપર બોરીચી અંજાર), ૨૪ વર્ષીય રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોળી (રહે. મૂળ ખાનપર રાપર હાલે મુન્દ્રા), ૨૮ વર્ષીય વિજય ઉર્ફે બંટી નાગજીભાઈ કોળી (મૂળ માંડવી હાલે રહે. અંજાર) અને ૨૫ વર્ષીય ખેતો ઉર્ફે ધર્મેશ જવાહરભાઈ કોળી (રહે. ભચાઉ)ને ભચાઉ - અંજારનાં કેનાલ વાળા રસ્તેથી ઈક્કો કાર નં જીજે ૧૨ એફડી ૫૯૨૪ સાથે ઝડપી લીધા હતા. જેમાં પોલીસે તમામ આરોપીઓ પાસેથી લૂંટ કરેલા સોના - ચાંદીનાં દાગીના અને ઈક્કો કાર સહીત કુલ રૂ. ૩,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયરેલા આરોપીઓને વધુ પૂછપરછ કરતા આરોપી વિનોદ ઉર્ફે કાળો કોળી, હરેશ ઉર્ફે હરી નારણભાઇ કોળી, જીગર ધીંગાભાઈ કોળી અને સુરેશ મોતી કોળીનાં નામ ખુલ્યા હતા. જેથી પોલીસે બાકી ચારેય આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.