હીટવેવ વચ્ચે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા
વડોદરાઃ શહેરમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે તા.૭ એપ્રિલ, સોમવારથી વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં પરીક્ષાઓનો પ્રારંભ થશે.વડોદરા શહેર અને જિલ્લાની ૧૦૦૦ ઉપરાંત સ્કૂલોમાં ચાર લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.જેમાં શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ગ્રામ્યમાં જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલોનો પણ સમાવેશ થાય છે.
મળતી વિગતો પ્રમાણે તા.૭ એપ્રિલથી ધો.૩ થી પાંચના વિદ્યાર્થીઓની અને તા.૧૬ એપ્રિલથી ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા માટે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એમ બંને પ્રકારની સ્કૂલો માટે એક સરખુ ટાઈમ ટેબલ રાકવામાં આવ્યું છે.સરકારી સ્કૂલો તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા પેપરના આધારે પરીક્ષા લેવાશે.જ્યારે નોન ગ્રાન્ટેડ સ્કૂલોને પોતાની રીતે પેપર સેટ કરીને પરીક્ષા લેવાની છૂટ આપવામાં આવી છે.નોન ગ્રાન્ટેડ સ્કૂલો પાસે જોકે સરકારના શિક્ષણ વિભાગના પેપરથી પરીક્ષા લેવાનો પણ વિકલ્પ છે.
ધો.૩ થી ૫ની પરીક્ષા તા.૧૫ એપ્રિલે પૂરી થશે અને તા.૧૬ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી ધો.૬ થી ૮ની પરીક્ષા લેવામાં આવશે.વિદ્યાર્થીઓ માટે પરીક્ષા બાદ શરુ થનારું ઉનાળું વેકેશન તા.૮ જૂન સુધી રહેશે.તા.૯ જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થશે.
જોકે પરીક્ષા પહેલા જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે.આમ વિદ્યાર્થીઓને હીટવેવ વચ્ચે પરીક્ષા આપવાનો વારો આવશે.જેને લઈને વાલીઓ પણ ચિંતામાં છે.ખાસ કરીને જે સ્કૂલોમાં બપોરની પાળીમાં પરીક્ષા લેવામાં આવનાર છે ત્યાં સમય બદલવાની પણ માગ વાલીઓ કરી રહ્યા છે.