લીમખેડા હાઇવે પર ઊભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં ચારનાં મોત
મૃતકોમાં અંકલેશ્વરના બે અને ધોળકાના બે શ્રધ્ધાળુઓનો સમાવેશ, પાંચ ઇજાગ્રસ્તો હાલ દાહોદ ખાતે સારવાર હેઠળ
દાહોદ : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં અંકલેશ્વરના બે અને ધોળકાના બે મળીને ચાર વ્યક્તિઓના મોત થયા છે જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થઇ છે.જિલ્લા પોલીસનો કાફલો ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહોને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરાયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને દાહોદ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે.
પાલ્લી ગામ નજીક હાઇવે ઉપર શુક્રવારની મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. અહી હાઇવે ઉપર એક ટ્રક ગેરકાયદે પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન પ્રાયગરાજ કુંભમેળામાંથી અંકલેશ્વર અને ધોળકાના ૯ શ્રધ્ધાળુઓને લઇને પરત આવી રહેલી ટાટા વિંગર ટ્રાવેલર ગાડી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ દુર્ઘટનામાં ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
દુર્ઘટના મોડી રાત્રે ૩ વાગ્યે બની હતી. ગાડીમાં બેસેલા શ્રધ્ધાળુઓ ભર ઊંઘમાં હતા અને કશું વિચારે તે પહેલા તો કાળની થપાટે ચાર લોકોના જીવ લઇ લીધા હતા. રોકકળ અને ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયુ હતું. બીજી તરફ હાઇ વે ઉપર ગેરકાયદે પાર્ક કરેલી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ટાટા વિંગર ટ્રાવેલ ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હોવા છતાં તે ગાડીના ડ્રાઇવરનો બચાવ થયો હતો.
મૃતકોનાં નામ
દેવરાજસિંહ લાખાભાઇ નકુમ (ઉં.વ. ૪૯. રહે, સાંઇનાથ રેસિડેન્સી અંકલેશ્વર જી.આઇ.ડી.સી )
જશુબા દેવરાજભાઇ નકુમ (ઉં.વ. ૪૭. રહે, રહે, સાંઇનાથ રેસિડેન્સી અંકલેશ્વર જી.આઇ.ડી.સી )
રમેશગિરિ પ્રતાપગિરિ ગોસ્વામી (ઉં.વ. ૪૭. રહે, નાની બોરુ ગામ, ધોળકા)
સિદ્ધરાજસિંહ જિતેન્દ્રસિંહ ડાભી (ઉં.વ. ૩૨. રહે, જવારજ ગામ, ધોળકા)
ઈજાગ્રસ્તોના નામ
જયપાલસિહ દેવરાજસિહ નકુમ (ઉં.વ. ૨૫. રહે, સાંઇનાથ રેસિડેન્સી અંકલેશ્વર જી.આઇ.ડી.સી )
સવિતાબેન કેશવલાલ જાતે પટેલ (ઉં.વ. ૬૩. રહે, સાંઇનાથ રેસિડેન્સી અંકલેશ્વર જી.આઇ.ડી.સી )
કેશવલાલ જીવરાજભાઈ પટેલ (ઉં.વ. ૬૫. રહે,સાંઇનાથ રેસિડેન્સી અંકલેશ્વર જી.આઇ.ડી.સી )
જગતસિહ ચંદુભાઇ નકુમ (ઉં.વ. ૫૦. રહે, નાની બોરુ ગામ, ધોળકા)
દિગ્વિજયસિંહ અમરસિંહ રાઠોડ (ગાડીનો ડ્રાઇવર. રહે, સુરત)
સાંજે ૭ વાગ્યાથી જાણ હતી છતાં ટોલ અધિકારીઓએ રાતના ૩ વાગ્યા સુધી હાઇવે પર ગેરકાયદે પાર્ક ટ્રકને હટાવી નહી
જો કોઇ વાહનનો અકસ્માત થાય અથવા તો બ્રેકફેલ થાય અથવા તો અન્ય કોઇ કારણસરથી વાહનને હાઇ વે ઉપર ઉભુ રાખવાની ફરજ પડે તો તુરંત નજીકના ટોલબુથને જાણ કરવાની હોય છે. લીમખેડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એવી જાણકારી મળી રહી છે કે ટોલ બુથને સાંજે ૭ વાગ્યે જ જાણકારી મળી ગઇ હતી કે બ્રેક ફેઇલ થવાના કારણે એક ટ્રક હાઇવે ઉપર પાર્ક કરવામાં આવી છે. કરોડો રૃપિયાનો ટોલ ઉઘરાવતા ટોલબુથના કોન્ટ્રાક્ટરની પહેલી ફરજ એ હતી કે બંધ પડેલી ટ્રકને તુરંત અન્ય સ્થળે ખસેડી લેવી જેના કારણે હાઇવે ઉપર અકસ્માત ના થાય. આ કેસમાં ટોલબુથના અધિકારીઓ દ્વારા રાતના ૩ વાગ્યા સુધી ટ્રક હટાવી નહી અને ચારનો ભોગ લેવાયો. આ કેસમાં ટ્રક ડ્રાઇવરની સાથે ટોલબુથના અધિકારીઓ અને હાઇવે પેટ્રોલિંગ પોલીસને પણ આરોપી બનાવીને સજા કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ટોલબુથનો સંપર્ક કરતા ટોલ કર્મચારી અક્ષય બારિયાનું કહેવું છે કે શુક્રવારની સાંજે સાત વાગ્યે સૂચના મળી હતી કે લીમખેડા ઓવરબ્રિજની ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડી હતી. અમારી પેટ્રોલિંગ ટીમે ત્યાં પહોંચીને સેફ્ટી પ્રોવાઇડ કરી હતી.