mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતમાં અહીં ચોમાસું જામ્યું, ગાંધીધામમાં 4 ઈંચ, માંડવીમાં 2, અંજારમાં 1.5, ભચાઉમાં 1 ઇંચ વરસાદ

Updated: Jun 27th, 2024

ગુજરાતમાં અહીં ચોમાસું જામ્યું, ગાંધીધામમાં 4 ઈંચ, માંડવીમાં 2, અંજારમાં 1.5, ભચાઉમાં 1 ઇંચ વરસાદ 1 - image


Gujarat Weather news | કચ્છમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહેવા પામી છે. સકર્યુલેશનની અસર તળે વરસાદી માહોલ છવાયેલો છે. ગત રાત્રિના ગાંધીધામમાં ધોધમાર ચાર ઈંચ, માંડવીમાં બે ઇંચ, અંજારમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે ઈંચ તથા ભુજ, રાપર, મુંદરામાં ઝાપટાં વરસ્યા હતા. નખત્રાણામાં હળવું ઝાપટું પડયું હતું. બુધવારની સાંજે અબડાસા અને નખત્રાણા તાલુકામાં ઝાપટાં વરસ્યા હતા.

જિલ્લામાં ગત રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘરાજાનું આગમન થયું હતું. આઠ તાલુકામાં અડધાથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ગાંધીધામમાં ૯૭ મિ.મિ., માંડવી પ૩ મિ.મિ., અંજાર ૩૭ મિ.મિ., ભચાઉ ર૧ મિ.મિ., ભુજ ૯ મિ.મિ., મુંદરા  ૮ મિ.મિ., રાપર ૮ મિ.મિ. અને નખત્રાણામાં ૧ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

ગાંધીધામ-આદિપુરમાં દિવસર્ભરના ઉકળાટભર્યા માહોલ બાદ રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાહદારી અને વાહન ચાલકોને સવારે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તોફાની પવન અને વરસાદના પગલે વૃક્ષો પડવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અંજારમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.

માંડવીમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાત્રિના પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભચાઉમાં રાત્રિથી પરોઢ સુધી હળવા ઝાપટાં વરસ્યા હતા. એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મહોલ છવાયો હતો. મુંદરામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

જિલ્લા મથક ભુજમાં રાત્રિના ભારે વીજ અને તોફાની પવન ફુંકાયો હતો. અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. મહત્તમ તાપમાન ૩૯.ર ડિગ્રી સે. નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૯૧ ટકા અને સાંજે પર ટકા નોંધાયું હતું. દિવસભર આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

મેઘરાજાએ ચોથા દિવસે હાજરી પુરાવી હતી. અબડાસાના સુખપર બેરા અને નખત્રાણાના ઉખેડા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં સાંજે વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


Gujarat