ગેંગસ્ટર જીવન ફૌજીની ગેંગના સુનિલે વડોદરામાં પાઘડી પહેરી દાઢી રાખી,ગુજરાતમાં ચાર સંપર્કોની તપાસ
વેપારી પર ફાયરિંગ કરી વડોદરા ભાગી આવ્યો,ત્રણ દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડની નોકરી મળી
વડોદરાઃ ઉત્તરાયણને આગલે દિવસે વેપારી પર ફાયરિંગ કરીને ભાગેલો સુનિલ મશીહ સીધો વડોદરા આવ્યો હતો.
પોલીસને મળેલી પ્રાથમિક વિગતો મુજબ,શાહપુર જાજન ગામે રહેતો સુનિલ જીવન ફૌજી ગેંગના સંપર્કમાં હતો.તેણે એક વેપારી પાસે ખંડણી માંગી હતી.
જે રકમ નહિ મળતાં ગઇ તા.૧૩મીએ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેણે વેપારી પર ફાયરિંગ કર્યું હતું.જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.બનાવ બાદ સાત કિમી દૂર આવેલા ગામે પહોંચેલો સુનિલ ભાગીને સીધો વડોદરા આવ્યો હતો.
વડોદરાનો એક ફોન કોલ પંજાબ પોલીસ માટે મુખ્ય કડીરૃપ બન્યો
વડોદરાના એક ફોન કોલ પરથી પંજાબ પોલીસને વડોદરામાં છુપાયેલા સુનિલનું પગેરું મળ્યું હતું.
પંજાબમાં ખંડણી અને ફાયરિંગના કેસમાં ફરાર થઇ ગયેલો જીવન ફૌજી ગેંગના સાગરીત પર પંજાબ પોલીસની નજર હતી.જે દરમિયાન તેણે કરેલા કોલ્સમાં એક નંબર વડોદરાનો મળ્યો હતો.
પંજાબ પોલીસે વડોદરા પોલીસને જાણ કરતાં ડીસીપી ઝોન-૨ના સ્કવોડના પીએસઆઇ આર જે સોલંકી અને એએસઆઇ સાબીર ખોખર સહિતની ટીમ સુનિલ સાથે વાત કરનાર સુભાનપુરાના બોબી નામના સબંધીને ત્યાં પહોંચી હતી.બોબીની અટકાયત કરતાં તેણે ફોન કરનાર તેના ગામનો સુનિલ ગઇ તા.૨૨મીએ જ વડોદરા આવ્યો હોવાની અને તેને સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાવી હોવાની કબૂલાત કરી હતી.જોકે સુનિલ પકડાતાં સબંધીએ પણ નોકરી ગુમાવાનો વખત આવ્યો છે.
સુનિલ મશીહ પોતે ખ્રિસ્તી હોવા છતાં પાઘડી પહેરી હતી,ક્લિનશેવ રાખતા સુનિલે દાઢી પણ વધારી હતી
પ્રાપ્ત વિગતો મુજબ,ગેંગસ્ટર જીવન ફૌજીના સાગરીત મનાતા સુનિલે ખંડણી અને ફાયરિંગના બનાવમાં પોલીસથી બચવા માટે વડોદરામાં રહેતા તેના ગામના પરિચિત બોબી ને ત્યાં આશરો લીધો હતો.
તેણે નોકરીની શોધમાં આવ્યો હોવાનું કહી પોતે કરેલા કાંડ છુપાવ્યા હતા.બોબી પોતે સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતો હોવાથી તેણે ત્રણ દિવસ પહેલાં જ સુનિલને નોકરી અપાવી હતી.તેના યુનિફોર્મ પર મરીન સિક્યુરિટી લખેલું હોવાથી નોકરી આપતા પહેલાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાયું હતું કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.
જીવન ફૌજી ગેંગના સુનિલે ગુજરાતમાં કરેલા બીજા ચાર કોલ્સ કોના છે
સુનિલે ગુજરાત કેમ પસંદ કર્યું,બીજા કોઇ સાગરીતો છે કે કેમ,સાયબર સેલની મદદ લીધી
પંજાબ પોલીસ જેને શોધી રહી હતી તે જીવન ફૌજી ગેંગના મનાતા સુનિલ મશીહે ગુજરાતમાં પાંચ કોલ્સ કર્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સુનિલ મશીહને શોધતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ મારફતે તેના પર નજર રાખી રહી હતી.જેમાં તેણે ગુજરાતમાં પાંચ કોલ્સ કર્યા હોવાની માહિતી મળી હતી.
આ પૈકી એક કોલ વડોદરાના બોબીનો હોવાથી પંજાબ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી હતી અને સુનિલ પકડાઇ ગયો હતો.જેથી હવે બાકીના ચાર કોલ્સની તપાસ કરવા માટે પોલીસે સાયબર સેલની મદદ લીધી છે.
પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં સારવાર અપાઇ
પંજાબ પોલીસે માહિતી આપતાં વડોદરા પોલીસે પકડેલા સુનિલ મશીહ પોલીસને ગોળ ગોળ જવાબો આપતો હતો અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતો હતો.જેથી તેને સારવાર અપાવી હતી.