ઉદ્યોગનગરમાં પરિવારના ચાર સભ્યો પર ધોકા વડે હુમલો
- ઉછીના પૈસા આપવાની ના પાડતા
- આરોપીઓએ મારી નાખવાની ધમકી આપતા પાંચ શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડતા એક શખ્સ સહિત પરિવારજનોને પાંચ શખ્સોએ એકસંપ થઈ ધોકા તેમજ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
૮૦ ફુટ રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા શૈલેષ ધનસુખ ઝરવરીયા પાસે કિશન કોડીયાએ ફોન કરી ઉછીના રૂપિયા માંગ્યા હતા. શૈલેષભાઇએ રૂપિયા ન હોવાથી આપવાનો ઈનકાર કરતા કિશને ફોન કાપી નાંખ્યો હતો. મોડી રાત્રે પાંચ શખ્સો એકસંપ થઈ શૈલેષભાઇના માતા હકુબેન, પિતા ધનસુખભાઈ સાથે બોલાચાલી કરી ધોકા વડે માર મારતા ફરિયાદી વચ્ચે પડતા તેમને પણ ઢીકા-પાટુનો મારમાર્યો હતો. તેમજ શૈલૈષભાઇના દિકરાને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે શૈલેષભાઇએ બી-ડિવીઝન પોલીસ મથકે કિશન ઉર્ફે કીટો રમેશભાઈ કોડીયા (રહે.શાંતિનગર, સુરેન્દ્રનગર), તનવીર અહેમદ જુનેજા (રહે.સુડવેલ સોસાયટી, વઢવાણ),નરેશભાઈ વેલાભાઈ સરવૈયા (રહે.૮૦ ફુટ રોડ, વઢવાણ), અજય રમેશભાઈ ચૌહાણ (રહે.માનવ મંદિર પાસે, સુરેન્દ્રનગર) અને પ્રદિપભાઈ રધુભાઈ પાદડીયા (રહે.૮૦ ફુટ રોડ, વઢવાણ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.