ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા ચાર ડમ્પર સહિત ૧.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત
કલોલના અલગ-અલગ હાઇવે ઉપરથી રોયલ્ટી પાસ વગર
ડમ્પરના માલિક સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે જાન્યુઆરીમાં ૫૯ કેસ : ૫૨.૯૪ કરોડની રિકવરી કરાઇ
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરાંત અન્ય
નદીમાંથી રેતીની બેફામ ખનન અને ચોરી કરવામાં આવી રહી છે ત્યારે તંત્રની ટીમ નદીમાં
દરોડો પાડે છે ત્યારે આ રેતી ચોરો ભાગી જવામાં સફળ રહે છે તેવી સ્થિતિમાં
કલેક્ટરની સુચનાને પગલે ભુસ્તર તંત્ર દ્વારા રોડ-હાઇવે ઉપર ચેકીંગ વધારી દીધું છે
અને બિનઅધિકૃત રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી
રહી છે.
જે અંતર્ગત મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની ટીમ શનિવાર
રાત્રે અલગ અલગ જગ્યાએ તપાસમાં હતી તે દરમ્યાન કુલ ચાર જેટલા વાહનો બિનઅધિકૃત
રેતી-ખનીજનું વહન કરતા પકડવામાં આવ્યા છે. કલોલ હાઇવે, મોટી ભોયણ ખાતેથી
એક-એક જ્યારે છત્રાલ ખાતેથી બે ડમ્પર રોયલ્ટી પાસ વગર રેતીની હેરાફેરી કરતા પકડી
પાડવામાં આવ્યા છે. બિનઅધિકૃતરીતે ખનીજનું વહન કરતા ચાર ડમ્પર સાથે કુલ ૧.૨૦
કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, આ ડમ્પરના માલિકો
સામે પણ ગુજરાત મિલનરના નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસ દરમ્યાન રેતી સહિત ખનીજના બિનઅધકૃત ખનન, વહન તથા સંગ્રહના કુલ ૫૯ કેસ કરીને કુલ ૫૨.૯૪ લાખની વસુલાત કરવામાં આવી છે. જે પૈકી ૨૪ કેસોમાં દંડનીય વસુલાત કાર્યવાહી હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.