ધાર્મિક યાત્રાએ જતા મુંબઇના બે પ્રોપર્ટી ડીલર સહિત ચાર શખ્સો દારૃ પીધેલા ઝડપાયા
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં જ ચારેયને કોચમાંથી ઉતારી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરાઇ
વડોદરા, તા.28 મુંબઇથી રાજસ્થાનમાં ગંગાપુર નજીક ધાર્મિક યાત્રાએ પરિવારના સભ્યો સાથે ટ્રેનમાં જતાં બે પ્રોપર્ટી ડીલર, એક કાસ્ટિંગ ડાયરેક્ટર સહિત ચાર શખ્સોને દારૃ પીધેલી હાલતમાં રેલવે પોલીસે ઝડપી પાડયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર ત્રણ પર મોડી રાત્રે ૧૨ વાગે આવતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના એસ-૧ કોચમાં કેટલાંક શખ્સો દારૃ પીધેલા છે તેવી ફરિયાદ રેલવે પોલીસને મળી હતી જેના પગલે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં જ પોલીસના માણસોએ ટ્રેનમાં ચડીને દારૃ પીધેલા ચાર શખ્સોને ઝડપી પાડી ટ્રેનમાંથી ઉતારી પાડયા હતાં.
ઝડપાયેલા શખ્સોમાં એક કાસ્ટિંગ ડાયરેક્ટર નિરજસિંગ રમેશસિંગ સિંગ (રહે.ગુલમહોર સોસાયટી, ફોર બંગલો, અંધેરી વેસ્ટ, મુંબઇ), પ્રોપર્ટી ડીલર વિશાલ રઘુનાથ બત્રા (રહે.ગુલમહોર સોસાયટી, ફોર બંગલો, અંધેરી વેસ્ટ, મુંબઇ), વિકાસ મહેશ ગુપ્તા (રહે.પ્રભાત બિલ્ડિંગ, ગોરેગાંવ, મુંબઇ) અને ડ્રાઇવર વસિમ જમીર શેખ (રહે.પાટલીપુત્ર, જોગેશ્વરી(વેસ્ટ) મુંબઇ) જાણવા મળ્યું હતું. ચારેયની પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે મુંબઇનું પારિવારીક ગૃપ ટ્રેનમાં બુકિંગ કરીને રાજસ્થાનના ગંગાપુર ખાતે ધાર્મિક દર્શન માટે જતા હતાં. દારૃ પીધેલા શખ્સો સાથે તેમના પરિવારના સભ્યો પણ હતાં.