વડોદરામાં રાજકોટવાળી થતાં રહી ગઇઃ પેલેસની જગ્યામાં રોયલ મેળામાં રાઇડમાંથી ચાર બાળક ફેંકાતા હાહાકાર મચી ગયો
બાળકો અને વાલીઓએ ચીસાચીસ કરી મૂકી,વાલીઓ હાથથી રાઇડ રોકવા દોડયા, પોલીસ જાગી,મેળો બંધ કરાવ્યો
વડોદરાઃ રાજકોટના ગેમઝોનની દુર્ઘટના જેવી જ ઘટના આજે વડોદરા શહેરમાં બનતાં રહી ગઇ હતી.જેમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખૂલી જતાં ચાર બાળકો ફંગોળાઇ ગયા હતા.સારાનશીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.
શહેરના વિશ્વામિત્રી બ્રિજ નજીક અવધૂત ફાટકની સામે આવેલી ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી રોયલ મેળો ચાલી રહ્યો હતો.જેમાં જુદીજુદી રાઇડ્સ ઉપરાંત ખાણી-પીણીના સ્ટોલ મુકવામાં આવ્યા હતા.
વેકેસનને કારણે આજે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી તે સાથે જ બે દરવાજા ખૂલી જતાં ત્રણ થી ચાર બાળકો લટકી પડયા હતા.જેને કારણે બૂમરાણ મચી હતી.
વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પાડી હતી.પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઇ ગયો હતો.જેને કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા.આ તબક્કે વાલીઓએ હાથથી રાઇડ રોકવાનો પ્રયાસ કર્યો હતો.જે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતાં રાઇડ બંધ થઇ હતી અને બાળકોના જીવ બચી ગયા હતા.
બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ હંમેશની જેમ જાગ્યા હતા અને બનાવના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવી મંજૂરીઓને લગતી તપાસ શરૃ કરાવી હતી.
ગેમઝોનમાં 27 બાળકો અને બોટકાંડમાં 12 બાળકોના મોત થવા છતાં તંત્ર ના સુધર્યું
હરણી બોટકાંડની દુર્ઘટનાએ રાજ્યભરમાં હાહાકાર મચાવી દીધો હોવા છતાં તંત્રએ કોઇ જ બોધ લીધો નથી અને તેને કારણે આજે બાળકોના જીવ સાથેની રમતનો બનાવ બનતાં રહી ગયો હતો.
હરણી બોટકાંડમાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાનો ભોગ લેવાયો હતો. જ્યારે, રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડમાં ૨૭ બાળકો ભુંજાઇ ગયા હતા.
આવા ગંભીર બનાવો બન્યા બાદ થોડા સમય માટે તંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.સુરક્ષાની ગાઇડલાઇન બનાવવામાં આવી હતી.મેળાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયા હતા.પરંતુ ત્યારબાદ ફરીથી જૈસેથે સ્થિતિ સર્જાઇ છે અને તેને કારણે આજે વડોદરામાં આનંદ મેળામાં વધુ એક કલંકિત ઘટના થતાં રહી ગઇ હતી.હવે તંત્ર ફરી સક્રિય બનશે અને તપાસના નામે નાટકો શરૃ થશે તેમ લોકો કહી રહ્યા છે.
પોતાના પુત્રને લઇ મેળામાં ગયેલા ફાયર બ્રિગેડના સૈનિકે વાયરો ખેંચી બાળકોનો જીવ બચાવ્યો
ફુલસ્પીડે ફરી રહેલી રાઇડના દરવાજા ખૂલતાં બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.આવા સમયે ઓપરેટર પણ ફરાર થઇ જતાં પોતાના પુત્રને લઇને ગયેલા પાણીગેટ ફાયર બ્રિગેડના સૈનિકે જાનની બાજી લગાવી રાઇડના બાળકોનો જીવ બચાવ્યો હતો.
સર સૈનિક દિપકભાઇ ભાલીયા તેમના પુત્રને લઇને આનંદ મેળામાં ગયા હતા.જે રાઇડમાં બનાવ બન્યો તેમાં તેમનો પુત્ર પણ બેઠો હતો.રાઇડે સ્પીડ પકડતાં જ બે થી ત્રણ દરવાજા ખૂલી ગયા હતા.જેથી બૂમાબૂમ થઇ ગઇ હતી.
આ વખતે ઓપરેટર પણ ભાગી ગયો હતો.જેથી બાળકોને બચાવવા માટે વાલીઓ જીવ જોખમમાં મુકી હાથથી રાઇડ રોકવા દોડયા હતા.જે દરમિયાન સરસૈનિકે રાઇડના વાયરો ખેંચી નાંખતા રાઇડ રોકાઇ ગઇ હતી.જો તેઓ ના હોત તો મોટી દુર્ઘટના થઇ હોત.
વેકેસન અને નાતાલને કારણે ભીડ વધુ હતી
હાલમાં વેકેસન ચાલી રહ્યું છે અને આજે નાતાલ હોવાથી બાળકોની સાથે સાથે અનેક વાલીઓને પણ રજા હોવાથી રોયલ મેળામાં રોજ કરતાં વધુ ભીડ હતી અને તે દરમિયાન જ આ બનાવ બન્યો હતો.જેથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી.