વડોદરાના કમાટીબાગ ઝૂ ના આકર્ષણમાં વધારો : ચાર સફેદ કાળિયાર લાવવામાં આવ્યા
Vadodara Kamati Baug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતે આવેલા ઝૂ માં વધુ એક આકર્ષણ સહેલાણીઓ માટે ઊભું કરવામાં આવ્યું છે. અલબીનો બ્લેક બક્સ એટલે કે ચાર સફેદ કાળિયાર લાવવામાં આવ્યા છે. જેમાં બે નર અને બે માદા છે. આ ચારેય સફેદ કાળિયાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક, એકતા નગર, કેવડીયાથી ગઈ રાત્રે લાવવામાં આવ્યા છે.
વડોદરા ઝૂના અધિકારી ડો.પ્રત્યુષ પાટણ કરના કહેવા મુજબ આ ચારેય પ્રાણી તંદુરસ્ત છે. સફેદ કાળિયાર સામાન્ય રીતે શરમાળ પ્રકૃતિના હોય છે. હાલ ચારેયને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. એક સપ્તાહનો ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થયા બાદ સહેલાણીઓને જોવા માટે પાંજરામાં મૂકી દેવાશે. હજુ ગયા અઠવાડિયે જ કેવડિયાથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ છ સાબર હરણ લાવવામાં આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ બનાવ્યા હતા. જેમાંથી એક કેવડિયાનો પણ પ્રોગ્રામ હતો. જેમાં વડોદરાના ઝૂમાંથી પક્ષીઓ કેવડિયાને અપાયા છે. જેના બદલામાં સાબર હરણ અને સફેદ કાળિયાર લાવવામાં આવ્યા છે. હાલ ઝૂમાં કાળિયાર ઘણા બધા છે, પરંતુ સફેદ કાળિયાર ન હતા.