અમરેલીમાં લેટર - બોમ્બ ફોડવામાં ભાજપનાં જ ચાર કાર્યકર ઝડપાયા
તાલુકા પંચાયત પ્રમુખનાં નામે ધારાસભ્યને બદનામ કરવાનું
ષડયંત્ર
અમરેલી તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અને જશવંતગઢ ગામના સરપંચે મળીને યુવતી સહિત બે સાગરિતોની મદદથી નકલી લેટર બનાવ્યાનું ખુલ્યું
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નકલી
લેટરપેડ પર ધારાસભ્ય કૌશિક વેકરીયા પર હપ્તાખોરી, એકચક્રી શાસન ચલાવતા હોવા સહિતના મુદ્દે ગંભીર આક્ષેપ
કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. વિપક્ષના લોકો દ્વારા પણ
સોશિયલ મીડિયા પર લેટર વાયરલ કરી ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. જોકે આ
લેટરને લઈને મોટો ઘટસ્ફોટ થયો હતો. આ લેટર બનાવટી હોવાનું જણાવીને તાલુકા પંચાયતના
પ્રમુખ દ્વારા અમરેલી સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે
તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ભાજપના ધારાસભ્ય સામે આક્ષેપોની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશો આપ્યા હતા. અમરેલી એસપીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે કપટપૂર્વક ડુપ્લીકેટ લેટર બનાવી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનાં ઇરાદે યેનકેન પ્રકારે કોમ્પ્યુટરમાં સહી નીચે સ્ટેમ્પ સિક્કા લગાવી ખોટું લખાણ સાથે બનાવટી દસ્તાવેજ ટેકિનકલ રીતે તપાસ કરી આરોપીઓ મનીષ કુમાર ચતુરભાઈ વઘાસીયા (રહે.અમરેલી), પાયલબેન અશ્વિનભાઈ ગોટી (રહે.વિઠલપુર, ખભાળીયા), અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા (રહે.જશવંતગઢ, અમરેલી), જીતુભાઇ બાવચંદભાઈ ખાત્રા (રહે.જશવંતગઢ) સહિત ૪ લોકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંતગઢ ગામનો સરપંચ અશોકભાઈ માંગરોળીયા સહિત ચારેય ભાજપના જ કાર્યકર હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. હાલ ભાજપના જ કાર્યકરોની સંડોવણી ખુલતા અમરેલીનો જૂથવાદ ફરી સામે આવ્યો છે. જોકે આ ઘટના લઈ અમરેલીના દિગજ્જ નેતાઓએ મૌન ધારણ કર્યું છે. બીજી તરફ અમરેલીનું રાજકારણ લોકસભાની ચૂંટણી સમયની જેમ ફરીવાર ગરમાયુ છે.