મહુવામાં 61.47 લાખના દારૂ-બિયર સાથે 4 ઝડપાયા : 10 બૂટલેગરના નામ ખુલ્યા
- ભવાનીનગરમાંથી પોલીસે અંગ્રેજી દારૂ-બિયરની 23,480 બોટલ મળી 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
- બુટલેગરો પણ પોલીસથી બે કદમ આગળ, હેરાફેરી માટે એક જ નંબર પ્લેટથી બે વાહન ચલાવતા હોવાનો ઘટસ્ફોટ, દારૂનું મોટું નેટવર્ક અન્ય જિલ્લાઓમાં પણ ફેલાવ્યું
સમગ્ર ઘટનાની પ્રાપ્ત થતી વિગત અનુસાર મહુવા શહેરના ભવાનીનગર, લાલ ખાંભા વિસ્તારમાં ગઈકાલે મંગળવારે વહેલી મહુવા પોલીસે દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડી રૂા.૬૧.૪૭ લાખની કિંમતનો વિલાયતી દારૂ અને બિયરના મસમોટો જથ્થો અને વાહનો મળી કુલ રૂા.૧.૧૦ કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સને ઉઠાવી લીધા હતા. જે ચારેય બુટલેગરની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. પોલીસે ત્રીજુ નેત્ર ખોલતા ઝડપાયેલા શખ્સો પોપટની માફક બોલવા માંડયા હતા અને અન્ય ૧૦ જેટલા શખ્સ સામે લ હોવાની કબૂલાત આપી હતી. પોલીસની પૂછતાછમાં મોંઘીબેન નાથાભાઈ ગુજરીયાના શેડમાં તેનો પુત્ર વિષ્ણુ ગુજરીયા બુટલેગરોને દર મહિને રૂા.૨૦ હજાર ભાડુ વસૂલી શેડને દારૂ રાખવા ભાડે આપતો હતો. શેડની ઝડતી કરતા પોલીસને અલગ-અલગ પ્રકારની ૧૩ જેટલી ડાયરી પણ મળી આવી હતી. દારૂની ખેપ કરવા માટે જે બે કારનો ઉપયોગ થતો હતો. તેમાં પણ માસ્ટર માઈન્ડ બુટલેગરો પોલીસથી બે કદમ આગળની સોચ રાખી બન્ને વાહનમાં જીજે.૦૧.સીઝેડ.૬૭૬૮ નંબરની એક સરખી પ્લેટ લગાડીને રાખતા હતા. જે અંગે પોલીસે અલગથી ગુનો દાખલ કર્યો છે.
વધુમાં લાખો રૂપિયાની કિંમતનો વિલાયતી દારૂ-બિયરનો જથ્થો મૂળ મહુવા અને હાલ સુરતમાં રહેતો કુખ્યાત બુટલેગર ભરત છગનભાઈ કનક નામના શખ્સે વાપીના ટ્રકડ્રાઈવર મારફત આઈસરમાં ભરીને મોકલ્યાનું ખુલ્યું છે. પોલીસની જીણવટભરી પૂછતાછમાં બુટલેગર ભરત મહુવા પંથક ઉપરાંત તળાજા, જાફરાબાદ, રાજુલા સહિતના શહેર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં દારૂનું નેટવર્ક ફેલાવ્યાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, મહુવા પોલીસે અગાઉ ક્યારેય આટલા મોટા જથ્થામાં દારૂનો જથ્થો પકડયો ન હોય, દારૂ અને બિયરની બોટલો-ટીન ગણવા માટે પોલીસ સ્ટાફની સાથે હોમગાર્ડ, જીઆરડીના જવાનોને કલાકો સુધી ધંધે લગાડવામાં આવ્યા હતા. જ્યારે પકડાયેલો મુદ્દામાલ રાખવા માટે પોલીસીને અલગથી રૂમની વ્યવસ્થા કરવી પડી હતી. સમગ્ર નેટવર્કમાં અન્ય બુટલેગરોના નામો ખુલવાની સંભાવનાઓને ખૂદ એએસપી અંશુલ જૈને નકારી ન હતી.
14 બુટલેગર સામે પોલીસ ફરિયાદ દાખલ
મહુવા શહેર ઝડપાયેલા વિલાયતી દારૂ-બિયરના મસમોટા જથ્થા સાથે પોલીસે વિષ્ણુ નાથાભાઈ ગુજરીયા, મુર્તુજા અસગરભાઈ ચોકવાલા, વિજય છનાભાઈ કવાડ, દશરથ કાનજીભાઈ શિયાળને દબોચી લીધા છે. આ ચારેયની પૂછતાછમાં સાગર માયાભાઈ બારૈયા, ભરત છગનભાઈ કનક, સાજીદ ગનેજા, રમેશ, કિરણ, સાગર માયાભાઈ બારૈયાના મામા, મંગળસિંહ જગદીશસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ઉર્ફે પી.ડી. દિલીપસિંહ જાડેજા, બાબુ ગુજરીયા, ડ્રાઇવર પુષ્પેન્દ્ર સહિતના શખ્સોના નામ ખુલતા પોલીસે ઝડપાયેલા ચાર મળી કુલ ૧૪ શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.