કુડાસણ રિલાયન્સ ચાર રસ્તા પાસે ગાંજાના જથ્થા સાથે ચાર પકડાયા
ગાંધીનગરમાં નશીલા પદાર્થોની વધતી હેરાફેરી
પોલીસે એક શખ્સને ઝડપી લીધા બાદ કારમાં સવાર અન્ય ત્રણને પકડી ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો
ગાંધીનગર : જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા રિલાયન્સ ચાર રસ્તા પાસેથી ચાર શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને જથ્થો ક્યાંથી લાવ્યો હતા અને કોને આપવાનો હતો તે જાણવા માટે પણ તપાસ શરૃ કરી હતી.
છેલ્લા થોડા સમયથી ગાંધીનગર જિલ્લામાં પણ નસીલા પદાર્થોની
હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે. જેના પગલે પોલીસ દ્વારા સતત વોચ રાખીને આવા
તત્વોને પકડવા માટે દોડધામ કરવામાં આવતી રહે છે. ખાસ કરીને આસપાસના હાઇવે માર્ગો
ઉપરથી પસાર થતા શંકાસ્પદ વાહનો ઉપર નજર રાખવામાં આવતી રહે છે ત્યારે ઇન્ફોસિટી
પોલીસ મથકના પીઆઈ વી.આર ખેર દ્વારા આવા નસીલા પદાર્થોને પકડવા માટે દોડધામ શરૃ
કરવામાં આવી હતી દરમિયાનમાં ગાંધીનગરના કુડાસણ ખાતે રિલાયન્સ ચાર રસ્તા પાસે એક
શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. જેનું નામ પૂછતા તે પ્રવીણરાજ
ઉર્ફે ડેવિડ પથુભાઈ મકવાણા રહે મકાન નંબર ૩૬ સેક્ટર- ૧૯ ગાંધીનગર હોવાનું જણાવ્યું
હતું અને તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો ત્યારબાદ થોડીક જ વારમાં એક કાર પણ
ત્યાં આવી હતી અને તેમાં ત્રણ જેટલા શખ્સો સવાર હતા. જેમની પૂછપરછ કરતા તે
મહેસાણામાં દેવરાસનના શુભમ હરેશભાઈ ગઢવી તેમજ થરાદ રાજેન્દ્ર નગર સોસાયટીના દિપક
રમેશભાઈ ગોહિલ અને પાલીતાણાના કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા હોવાનું બહાર આવ્યું
હતું. જે ત્રણેયની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૪૯૫ ગ્રામ જેટલો
ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાર તેમજ અન્ય ચીજ વસ્તુ મળી ૧.૪૩ લાખ રૃપિયાનો
મુદ્દામાલ કબજે કરી લીધો હતો. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો
હતો તે જાણવા માટે પણ વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. ઝડપી લેવામાં આવેલા ચારે
શખ્સો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.