ભેંસાણના પારસી વૃધ્ધની કરોડોની જમીન હડપવાનું પ્રકરણ: બોગસ ડોક્યુમેન્ટ્સથી વૃધ્ધનું ખાતું ખોલનાર RBL બેંકના મેનેજર સહિત ચારની ધરપકડ
- રૂ. 3.41 કરોડના વ્યવહાર માટે જમીન દલાલ મહિલાએ ICICC બેંકના કર્મચારી થકી RBL બેંકના સેલ્સ ઓફિસર અને મેનેજરનો સંર્પક કરી ખેલ કર્યો
- એકાઉન્ટ ખોલવા રૂ. 2 લાખ આપ્યા હતા, પેમેન્ટ બાદ વધુ રકમ આપવાનું નક્કી કર્યુ હતુંઃ ચારેયના બે દિવસના રિમાન્ડ
સુરત
ભેંસાણના વૃધ્ધ પારસીની કરોડો રૂપિયાની જમીનનો સોદો કરી બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે દસ્તાવેજ કરાવવા આવનાર ભૂમાફિયા સહિતની રિમાન્ડ દરમિયાનની પૂછપરછના આધારે અઠવાલાઇન્સ પોલીસે જમીન દલાલ મહિલા ઉપરાંત આર.બી.એલ બેંકના વેસુ બ્રાંચના મેનેજર અને સેલ્સ ઓફિસર તથા આઇસીઆઇસીઆઇ બેંકના કર્મચારી સહિત ચારની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જમીનના સોદાના રૂ. 3.41 કરોડના આર્થિક વ્યવહાર માટે રૂ. 2 લાખ લઇ બેંક ખાતુ ખોલાવવામાં મદદ કરી હતી.
નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભેંસાણ ગામની કરોડો રૂપિયાની જમીન તેના મૂળ માલિક પારસી વૃધ્ધ કુરૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામઅલી નકવી (રહે. સિંગસર, તા. સુત્રાપાડા, ગીર સોમનાથ) અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મેંદપરા (રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા) ની હાલ પાંચ દિવસના રિમાન્ડ હેઠળ પૂછપરછ ચાલી રહી છે. જે અંતર્ગત પોલીસે જમીન દલાલીની સાથે લોન એજન્ટનું કામ કરતી સ્મીતા શાહ, આર.બી.એલ બેંક વેસુના બ્રાંચ મેનેજર હિતેશ પાટવાલા તથા સેલ્સ ઓફિસર સુરજ તિવારી અને આઇસીઆઇસીઆઇ બેંક કોર્પોરેટ સેલેરી ટીમના કર્મચારી કિરણ સોનારની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પારસી વૃધ્ધની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કારસામાં જમીનના સોદાના રૂ. 3.41 કરોડના આર્થિક વ્યવહાર માટે બેંકમાં પારસી વૃધ્ધ કુરૂષ પટેલના નામે એકાઉન્ટ ખોલાવવા કિરણ સોનારનો સંર્પક કર્યો હતો. કુરૂષ પટેલના બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે બેંક એકાઉન્ટ ખોલાવવા આર.બી.એલ બેંકની વેસુ બ્રાંચના સેલ્સ ઓફિસર સુરજ તિવારીનો સંર્પક કર્યો હતો અને સુરજે મેનેજર હિતેશ પાટવાલાની સાંઠગાંઠમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેના માટે પ્રાથમિક તબક્કે કિરણ સોનારે રૂ. 2 લાખ લીધા હતા અને બીજુ પેમેન્ટ આવ્યા બાદ વધુ રકમ આપવાની લાલચ આપી હતી. હાલમાં પોલીસે સ્મીતા શાહ સહિત ચારેયના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
કોણ-કોણ પકડાયું ?
જમીન દલાલીની સાથે લોન એજન્ટનું કામ કરતી સ્મીતા સરજુભાઇ શાહ (ઉ.વ. 48 રહે. સુર્યરથ એપાર્ટમેન્ટ, સ્વામીનારાયણ મંદિર નજીક, અડાજણ અને મૂળ. થરા, તા. ધાનેરા, બનાસકાંઠા), આર.બી.એલ બેંક વેસુના બ્રાંચ મેનેજર હિતેશ ધનસુખ પાટવાલા (ઉ.વ. 43 રહે. નક્ષત્ર એમ્બેસી, ગૌરવ પથ, પાલ અને મૂળ. રાણા સ્ટ્રીટ, તા. જબુંસર, ભરૂચ), સેલ્સ ઓફિસર સુરજ રાકેશ તિવારી (ઉ.વ. 25 રહે. હરિકૃષ્ણ આઇકોન, એસએમસી પાર્ટી પ્લોટની બાજુમાં, ડીંડોલી અને મૂળ. ચૌપાઇ, તા. પટ્ટી, પ્રતાપગઢ, યુ.પી) અને આઇસીઆઇસીઆઇ બેંકનાકોર્પોરેટ સેલેરી ટીમના કર્મચારી કિરણ તુકારામ સોનાર (ઉ.વ. 41 રહે. સુંદર સોલીટેર, ડી-માર્ટ સામે, અલથાણ-બમરોલી રોડ, સુરત અને મૂળ. માલપુર, તા. ડુંડાઇચા, ધુળીયા, મહારાષ્ટ્ર)