કારમાં ગાંજો લઇને બેઠેલા ચાર આરોપીઓ ઝડપાયા
પોલીસે ૨૫૫ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો
વડોદરા,જી.આઇ.ડી.સી. રોડ પર કારમાં ગાંજો લઇને બેઠેલા ચાર આરોપીઓને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયા છે.
ડીસીપી ઝોન - ૩ ના એલ.સી.બી. સ્ટાફને માહિતી મળી હતી કે, વડસરથી સુશેન તરફ જતા રોડ પર રવિ કલેક્શન નામની દુકાનની સામે એક કારમાં ચાર લોકો ગાંજો લઇને બેઠા છે.જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કાર મળી આવી હતી. ડ્રાઇવર સીટની બાજુમાં સીટના ડેસ્ક બોર્ડમાંથી પોલીસને એક થેલી મળી આવી હતી. જેમાં ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો. ૨૫૫.૯ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૨,૫૫૯ નો મળી આવ્યો હતો. કારમાં બેસેલા (૧) ખેમરાજ રામસ્નેહી પાલ (રહે. હરિદર્શન નગર, ગજાનંદ પાર્કની બાજુમાં, વડસર) (૨) વિક્રમસિંહ શિવનારાયણ કુશ્વાહા ) રહે. શિવ નગર, જી.આઇ.ડી.સી. રોડ) (૩) અનિશ અબ્દુલભાઇ ઘાંચી (રહે. મીરા નગર, જી.આઇ.ડી.સી. રોડ) તથા (૪) આફતાબ ઉર્ફે લંબુ અનવરભાઇ અંસારી (રહે. પવન નગર, જી.આઇ.ડી.સી. કોલોની પાસે) ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.