જામનગરના યુવાને બનાવી રામલલા અને મંદિરની પ્રતિકૃતિ જેવી જ અદભુત પેન, અયોધ્યા મોકલાશે
રામભદ્ર આચાર્યને એક વર્ષ પહેલા પેન ભેટમાં આપવાનો વિચાર આવ્યો હતો
ભગવાન શ્રીરામ અને હનુમાનજીના જંગલમાં થયેલા મિલાપના પ્રસંગના આધારે પ્રતિકૃતિ તૈયાર કરાઈ
pen made by Jamnagar youth will reach Ayodhya : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22મી જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાશે. તેમાં દેશભરની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવાયું છે ત્યારે ગુજરાતના બ્રાસ સિટી તરીકે જાણીતા જામનગરની પણ એક પ્રતિકૃતિ ભક્તિ ભાવ સાથે અયોધ્યા પહોંચશે, જે જામનગર જ નહીં, સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત બની રહેશે.
રામભદ્ર આચાર્યને ભેટમાં પેન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ભગવાન શ્રી રામના અયોધ્યામાં મંદિર નિર્માણ કાર્યમાં અનેક લોકોનો સહયોગ રહ્યો છે. ત્યારે જામનગરના રામ ભક્ત રાવલ પરિવારને એકાદ વર્ષ પહેલા વિચાર આવ્યો કે રામ મંદિર ચળવળના અગ્રણી રામચંદ્ર આચાર્યને પણ મંદિરની પ્રતિકૃતિ ધરાવતી પેન ભેટમાં આપવી જોઈએ. બાદમાં પરિવારના મોભી રાવલજીએ મુંબઈમાં રહેતા યુવા ઉદ્યોગપતિ હિરેન કનખરાને આ પેન બનાવવાનું કામ સોંપ્યું. હિરેન કનખરા અને તેમનો પરિવાર એન્ટિક પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતો છે. તેમણે પણ આ પડકાર ઝીલીને મંદિરના ડિઝાઈનર, મૂર્તિ બનાવનારા તેમજ પ્રતિકૃતિઓના જાણકારોનો સંપર્ક સાધીને 350 મીટરના સ્ટેજ પર ભગવાન શ્રીરામ અને હનુમાનજીના વનવાસમાં થયેલા મિલનના પ્રસંગની માહિતીના આધારે એક સુંદર પ્રતિકૃતિ તૈયાર કરી. બાદમાં તેની ઉપર હનુમાનજીની પ્રતિકૃતિની સાથે કોતરણી ધરાવતી ફાઉન્ટેન પેન તૈયાર કરાઈ.
પેનની કિંમત છે રૂ. 1 લાખ 90 હજાર છે
કનખરા પરિવારે બનાવેલી આ પેનની કિંમત રૂ. એક લાખ, 90 હજાર છે. હવે આ પેન રાવલજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા પહોંચીને આચાર્ય રામભદ્રને અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે રાવલજીએ આ પેન બનાવવાનો ઓર્ડર આપ્યો ત્યારે ચાર્જ પણ નક્કી કર્યો હતો, પરંતુ રામમંદિર બની રહ્યું છે તેની દેશભરમાં ખુશી છે એટલે હિરેનભાઈએ પેનના રૂપિયા નહીં લેવાનું નક્કી કર્યું હતું. આ પેન સાથે રામ નામ લખેલી એક માળા પણ આપવામાં આવશે.