સુરત વકીલમંડળની ચુંટણીમાં દાવેદારી નોંધાવનાર તમામ ઉમેદવારોના ફોર્મ મંજુર
સુરત
અમુક ફોર્મમાં ટાઈપોગ્રાફીક ભુલ છતા વિવાદમાં ઉતરવાને બદલે માન્ય રાખાયા ઃ એક ઉત્સાહી ઉમેદવાર ક્યા હોદ્દા માટે ચુંટણી લડે છે તે દર્શાવવાનું જ ભૂલ્યા
આગામી 20મી ડીેસેમ્બરના રોજ યોજાનાર વકીલમંડળના આગામી વર્ષના પાંચ હોદ્દેદારો,11 કાઉન્સિલ મેમ્બર્સ તથા એક એલઆરની હોદ્દાની ચુંટણી માટે કુલ 42 જેટલા દાવેદારોએ ભરેલા તમામ ફોર્મને ચુંટણી કમિશ્નરે સામાન્ય ટાઈપોગ્રાફીની ભુલ ગણાવીને નજર અંદાજ કરી માન્ય રાખ્યા છે.અલબત્ત આવતીકાલે તા.10મીના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત હોઈ 11મી ડીસેમ્બરે જ ચુંટણી જંગનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો,કારોબારી સભ્યો તથા સૌ પ્રથમવાર મહીલા પ્રતિનિધી માટે યોજાનાર ચુંટણી માટે દાવેદારી નોંધાવવા તા.6ઠ્ઠી ડીસેમ્બરના રોજ કુલ 42 જેટલા ઉમેદવારોએ વિવિધ હોદ્દા માટે પોતાની દાવેદારી ફોર્મ ભર્યા હતા.જેમાં કાઉન્સિલ મેમ્બર્સના 11 પદ માટે સૌથી વધુ 23 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જ્યારે બાર પ્રમુખ,ઉપપ્રમુખ તથા મંત્રીના હોદ્દા માટે ચાર,સહમંત્રીના પદ માટે ત્રણ,ખજાનચી તથા એલ.આર.ની પોસ્ટ માટે બે-બે મળીને તમામ હોદ્દા માટે કુલ 42 જેટલા ફોર્મ ચુંટણી કમિશ્નરને સુપરત કરવામાં આવ્યા હતા.
આજરોજ ફોર્મ ચકાસણી દરમિયાન ચુંટણી કમિશ્નર કમલનયન અસારાવાલા તથા સહાયક ચુંટણી કમિશ્નરની ટીમ દ્વારા તમામ ઉમેદવારોની ફોર્મની ચકાસણી કરી હતી.જે પૈકી ચારથી પાંચ ઉમેદવારોના ફોર્મ તથા એફીડેવિટમાં ટાઈપોગ્રાફીની ભુલ હોવાનું બહાર આવ્યું હતુ.જે પૈકી ચુંટણી લડવા માટે અતિ ઉત્સાહમાં આવેલા એક ઉમેદવારે તો પોતે ક્યા હોદ્દા માટે ચુંટણી લડી રહ્યા છે તે દર્શાવવાનું જ ભુલી ગયા હતા.જો કે ફોર્મમાં રહેલી ભુલ એફીડેવિટમાં દોહરાવી નહોતી.જ્યારે એક ઉત્સાહી ઉમેદવારે તો ગયા વર્ષે પોતે જે હોદ્દા માટે ચુંટણી લડીને સૌથી વધુ મતોથી જીત મેળવી હતી તેમણે આ વર્ષે પણ અગાઉના હોદ્દા માટે જ ચુંટણી લડતા હોવાનું દર્શાવ્યું હતુ.જો કે આ વર્ષે તે અન્ય હોદ્દા માટે ચુંટણી લડી રહ્યા છે. અલબત્ત બે વર્ષ અગાઉ પ્રમુખપદ માટે ચુંટણીના દાવેદાર ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું હતુ.જે મામલે ઉમેદવારે બાર કાઉન્સિલમાં ગયા બાદ તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતુ.જેથી આ વખતે પણ ચુંટણી કમિશ્નર તથા તેમની ટીમે ખોટા વિવાદમાં ઉતરવાને બદલે દાવેદારી નોંધાવનાર ચારથી પાંચ ઉમેદવારોના ફોર્મમાં ટાઈપોગ્રાફીની મિસ્ટેકને મોટું મન રાખીને નજર અંદાજ કરી તમામ ફોર્મ માન્ય રાખ્યા છે. અલબત્ત આવતીકાલે તા.9મી ડીસેમ્બરના રોજ દાવેદારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત છે.વકીલ વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત દરમિયાન અમુક હોદ્દા પરથી દાવેદારી ફોર્મ પરત ખેંચવામાં આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.અલબત્ત 11 મી ડીસેમ્બરે ચુંટણી જંગમાં બાકી રહેનારા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
અત્રે નોંધનીય છે કે અગાઉ 11 કારોબારી સભ્યોની ચુંટણી માટે યોજાનારા મતદાનમાં મતદાતાઓ 11થી વધુ મતો આપી નહી શકે.એ નિયમમાં ફેરફાર કરી 11 મતથી વધુ નહીં પરંતુ 11 મત કે તેથી ઓછા મત આપી શકાશે તેવો નિયમ કરવામાં આવ્યો છે.જે મુદ્દે અસંતુષ્ટ વકીલે બારકાઉન્સિલમાં ધા નાખતાં આ મુદ્દે ફરી બીસીજીના નિયમ મુજબ કારોબારી સભ્યોને 11 મત ફરજિયાત આપવાનો નિયમ ફરી લાગુ કરાય કેવી સંભાવના છેે.