રાજકોટ અગ્નિકાંડ : પૂર્વ ટીપીઓ સાગઠિયા 28 કરોડની કાળી કમાણીના ગુનામાં જેલહવાલે
Rajkot Game Zone Fire: રાજકોટ મહાપાલિકાના ભાજપના શાસકો અને કમિશનરની કૃપાથી 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનાભાઈ સાગઠિયા (ઉ. 56 રહે.યુનિ.રોડ,પંચાયત ચોક પાસે,રાજકોટ)ની અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ બાદ તેની પાસે 10 કરોડથી વધુ રકમની અપ્રમાણસર એટલે કે આવક કરતા 410 ટકા વધારે મિલ્કત મળતા તે ગુનામાં તેની 19 જૂને ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની બેનંબરી રોકડ,સોના વગેરે મળ્યું હતું. આ ગુનામાં આજે સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એ.સી.બી.એ તેને કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરાયેલ છે. જો કે રિમાન્ડ અને લાંબી તપાસ છતાં એ.સી.બી.સામે લોકોમાં ઉઠેલા સવાલો હજુ અનુત્તર જ રહ્યા છે.
સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ।. 15 કરોડની કિંમતનું 22 કિલો સોનુ બિસ્કીટ અને ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું. આ ખરીદીના બિલો મળ્યા નથી. જે અન્વયે આજે એ.સી.બી. દ્વારા પેલેસ રોડ અને કોઠારીયા નાકા વિસ્તારમાં આવેલા અર્ધો ડઝન જેટલા જ્વેલર્સની પુછપરછ કરી હતી. પરંતુ, સોના ચાંદીના તમામ વેપારીઓએ પોલીસને અમે તો બિલથી જ વેચાણ કર્યું છે, બિલ ફાડી નાંક્યું હોય તો ખબર નથી, ખરીદી કોણે કરી તે નામ આપો તો કહી શકાય વગેરે લગભગ એકસરખા ઉત્તરો આપ્યા હતા.
સામાન્ય નાગરિકે લગ્નપ્રસંગ માટે એક તોલુ (10 ગ્રામ) સોનુ ખરીદવું હોય તો પણ મોંઘુદાટ લાગે છે ત્યારે સાગઠિયાએ સામાન્ય જ્વેલર્સની દુકાનમાં ન હોય એટલું 22 કિલો સોનુ ભેગુ કર્યું હતું. આ સોનુ તેને મળતિયાના નામે ખરીદ્યું છે પરંતુ, તે કોણ તે અંગેની વિગતો હજુ જાહેર થઈ નથી.લાંચના કેસની તપાસ માટે પણ પોલીસે વધુ એક સિટ રચી હતી પરંતુ, નવી કોઈ વિગતો જાહેર થઈ નથી.
સાગઠિયા એ અગ્નિકાંડના એકમાત્ર આરોપી સામે અગ્નિકાંડ સર્જાય તેવી ફરજમાં બેદરકારી દાખવી સાપરાધ મનુષ્યવધ , ઈમ્પેક્ટ અરજી ઈન્વર્ડનું બોગસ રેકોર્ડ સર્જવા સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને અપ્રમાણસર મિલ્કતનો એમ ત્રણ ગુના નોંધાયેલા છે અને આજે ત્રણેય ગુનામાં તે જેલહવાલે થયેલ છે. હવે આ ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે.