Get The App

150 કરોડની 280 એકર જમીન સરકાર હસ્તક લેવાના હુકમથી પૂર્વ સાંસદ દીનુ સોલંકીને તકલીફ

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
Former MP Dinu Solanki


Land Dispute In Gir Somnath: પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે આક્ષેપ કરી પડકાર ફેંક્યો હતો. પરંતુ પૂર્વ સાંસદના આ વાણીવિલાસ પાછળ દિવ, ઊના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની હાલ પૂર્વ સાંસદના કબજામાં રહેલી 280 એકર જમીનનો ટોચ મર્યાદા અંગેની અરજી નામંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે, તે કારણભૂત હોવાનું આજે ચર્ચાસ્પદ બન્યું છે. વહીવટી તંત્રએ કરેલા હુકમ સામે અપીલ થઈ છે, જેમાં હાલ સ્ટે હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ફેવરમાં સોશીયલ મીડિયામાં મેસેજ વાયરલ પણ થયો છે.

'કલેક્ટર આધુનિક મહમદ ગઝનવી'

કોડીનાર નગરપાલિકાની વિજય સભામાં પૂર્વ સાંસદ દીનું સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી તેને આધુનિક મહમદ ગઝનવી સાથે સરખાવી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા પડકાર ફેંક્યો હતો. તેમણે કલેક્ટર સામે મોરચો માંડ્યો તેની પાછળ દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની જમીનનો ટોચ મર્યાદા અંગેનો ઊના પ્રાંત અધિકારીએ કરેલો હુકમ કારણભૂત કહેવાય છે. આ ટ્રસ્ટની 280 એકર જમીનનો કબજો દીનું સોલંકી પાસે છે.

આ ટ્રસ્ટ દ્વારા વર્ષ 1976થી ચાલે છે. જે તે વખતે રાજુલા નાયબ કલેક્ટર સમક્ષ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ખેત ટોચ મર્યાદા ધારાની જોગવાઇ હેઠળ મુક્તિ મેળવવા અરજી કરી હતી. 1982માં રાજુલા નાયબ કલેક્ટરે મુક્તિ માટેની અરજીના મંજુર કરતો હુકમ કર્યો હતો. ત્યારે આ જમીનનો ઉપયોગ પશુ ચરાવવા કે ઘાસના સંગ્રહના બદલે અનાજનું વાવેતર કરવામાં આવ્યાનું અને તેમાંથી પશુઓનો નિભાવ થતો કરવામાં આવ્યાનું અવલોકન નોંધવામાં આવ્યું હતું, જે જોગવાઈ વિરૂદ્ધ છે. ત્યારબાદ 2012માં વેરાવળ નાયબ કલેક્ટર દ્વારા હુકમ થયો હતો. મહેસુલ વિભાગે હુકમ રદ કરી સંસ્થાને સાંભળવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: આશ્રમ શાળાઓમાં 847 જ્ઞાન સહાયકની ભરતી કરાશે, રાજ્ય સરકારની હાઈકોર્ટમાં જાહેરાત


ચોથી જાન્યુઆપી 2025ના ઊના પ્રાંત અધિકારીએ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમની જોગવાઇ મુજબ દિવ, ઊના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની 23-8-1976ની ટોચ મર્યાદા અધિનિયમની જોગવાઈમાંથી મુક્તિ આપવા માટેની અરજી નામંજૂર કરી હતી. આ જમીનનો કબજો હાલ દીનું સોલંકી અને તેના નજીકના લોકો પાસે છે. આ હુકમ બાદ તકલીફ પડતા દીનું સોલંકીએ કલેક્ટર સામે આક્ષેપ શરૂ કર્યા હોવાના મેસેજ વાયરલ થયા છે. પેટમાં દુઃખતું હોવાની પણ વાતો થઈ રહી છે.

મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, આ હુકમ બાદ સરકારમાં અપીલ થઈ છે અને હાલ તેના પર સ્ટે છે આથી તંત્ર દ્વારા કબજો લેવા અંગેની કાર્યવાહી આગળ વધી નથી.

પૂર્વ સાંસદ કલેક્ટર સામે આક્ષેપ કરી રહ્યા છે: પૂર્વ સંસદીય સચિવ

કોડીનારના પૂર્વ ધારાસભ્ય સંસદીય સચિવ અને ગીર-સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ દાનાભાઈ સોલંકીએ કહ્યું કે, 'પૂર્વ સાંસદ દીનુ સોલંકી તેમના સ્વાર્થ ખાતર કલેક્ટર ડી.ડી. જાડેજા સામે વાણીવિલાસ કરે છે. પાંજરાપોળની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી તેની વિરૂદ્ધ સરકારના પરિપત્ર મુજબ તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 280 એકર જમીન ખાલસા થાય તેમ હોવાથી પૂર્વ સાંસદ રઘવાયા થયા છે અને કલેક્ટર વિરૂદ્ધ વાણીવિલાસ કરી અધિકારીઓમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિગત અહમ સંતોષવા કલેક્ટર સામે આક્ષેપ કરે છે.’ આ મામલે જેઠાભાઈએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજુઆત કરી અધિકારીને સારી રીતે રક્ષણ મળે તે માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે.

150 કરોડની 280 એકર જમીન સરકાર હસ્તક લેવાના હુકમથી પૂર્વ સાંસદ દીનુ સોલંકીને તકલીફ 2 - image


Google NewsGoogle News