'કામને ન્યાય ન મળતાં...' દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું
Mahesh Vasava Leaves BJP: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
મહેશ વસાવા 11મી માર્ચ 2024માં ભાજપમાં જોડાયા હતા
ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, 'ભાજપમાં કામને ન્યાય નથી મળતો.' જો કે, હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓ છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા ડેડીયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઈ હતી. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ બીટીપી પાર્ટીના સ્થાપક છે. જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો. ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તો તેમણે બહુ શાનથી કહ્યું હતું કે, 'આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે.' હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમને સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું કે ભાજપમાં મારા કામને કોઈ ન્યાય મળતો નથી.