'...પછી હું ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ નહીં', દબંગ નેતાના નિવેદન મુદ્દે ભાજપ ઉમેદવારની આવી પ્રતિક્રિયા
Waghodia By-Election : વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણી માટે અનગઢના રામગઢ ગરબા મેદાન ખાતે કોંગ્રેસે જાહેર સભા યોજી હતી. જેમાં કોંગ્રેસના સમર્થનમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી વિવાદિત ટિપ્પણી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા.
જો કોઇ કોલર પકડે તો મારી પાસે આવજો : મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આજ દિન સુધી મેં કશું કર્યું નથી. જો હું મેદાનમાં નીકળીશ તો સુપડાં સાફ કરીશ. હું મરવાથી ડરતો નથી, ખાલી ભગવાન બજરંગ બલીથી ડરું છું. મોત તો આવવાનું જ છે, તેનાથી શું ડરવાનું પણ આવા લોકો અમારા કાર્યકરો સાથે હાથાપાઈ કરીને કહે છે કે તમને જોઈ લઈશું. હજી સાતમી તારીખે ચૂંટણી છે. આ સમય દરમિયાન જો કોઈ તમારો કોલર પકડે તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો, ફાયરિંગ ના કરું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં.’
વિવાદિત નિવેદનો આપીને તેઓ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે : ધર્મેન્દ્રસિંહ વાઘેલા
વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'તારામાં તાકાત હોય તો ક્ષત્રિય સમાજના વ્યક્તિ સામે ફાયરિંગ કરી જો. આજ સુધી મને કોઈને ઝાપટ પણ નથી મારી. ફાયરિંગની વાત તો દૂરની છે. તેઓ આવા વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં રહીને કોંગ્રેસને ડુબાડવાના કામ કરી રહ્યા છે.'
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર સિંહ અને કનુ ગોહિલ વચ્ચે ચૂંટણી જંગ
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આગામી 7 મે 2024ના રોજ રાજ્યમાં લોકસભા અને પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ત્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ વચ્ચે જંગ જામશે. આ ચૂંટણી માટે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. ભાજપે અશ્વીન પટેલને ટિકિટ આપી હતી. જો કે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાતા ફરી પેટાચૂંટણી યોજાઈ છે.