Get The App

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, મધુ શ્રીવાસ્તવે નોંધાવી ઉમેદવારી

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, મધુ શ્રીવાસ્તવે નોંધાવી ઉમેદવારી 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ત્યારે વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ જંપલાવ્યું છે. જેને લઈને વાઘોડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ થશે.

મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી

વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી માટે આ જ બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે (18 એપ્રિલ) અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મધુ શ્રીવાસ્તવે વડોદરાની ધીરજ ચોકડીથી પોતાના સમર્થકો સાથે સેવા સદન સુધી રેલી યોજી હતી. ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યું હતું. આમ, અત્યાર સુધીમાં મધુ શ્રીવાસ્તવે કુલ 8મી વખત વાઘોડિયા વિધાનસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. તો આ સાથે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે તેમની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે.

મધુ શ્રીવાસ્તવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર કર્યા પ્રહાર

મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભરતા સમયે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે વર્તમાન ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'સવા વર્ષમાં વાઘોડિયાની જનતાની કેટલીક જમીનો લખાવી લેવામાં આવી છે. પોતાના લાભ માટે અહીં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મને વાઘોડિયાની જનતાએ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય બનાવ્યો હતો. પરંતુ રોજે રોજ દાળ-ભાત ન ભાવે એટલા માટે વાઘોડિયાની જનતાએ બીજો ટેસ્ટ કર્યો હતો. પરંતુ હવે લોકો જાણી ગયા છે. વાઘોડિયાની જનતાને ગીરવે મૂકી ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે.'

મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર ગુસ્સે થયા

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ફોર્મ ભરવા આવેલા અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર બગડ્યા હતા. ટેકેદાર લઈને ન આવતા મામલતદારે ટકોર કરી હતી. જેને લઈને મધુ શ્રીવાસ્તવ ગુસ્સે ભરાયા હતા. મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 'હું 30 વર્ષથી ગામડાઓમાં ફરુ છું, મને બધી ખબર છે. હું અપીલમાં જવાનો છું, કોણ ક્યાંના ટેકેદાર લાવે છે મને ખબર છે.'

વાઘોડિયા બેઠક પર કરવી પડી ફરી ચૂંટણી

ગત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટાચૂંટણી જાહેર કરવી પડી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 77,905 મત મળ્યા હતા. તો ભાજપ ઉમેદવાર અશ્વીન પટેલને 63,899 મત, કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને 18,870 મત, અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 14,645 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ સોલંકીને 2995 મત મળ્યા અને NOTAમાં 2622  મત પડ્યા હતા.

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ

વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસે કનુભાઈ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ જ બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી નોંધાવતા અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.


Google NewsGoogle News