Get The App

માતરમાં ભાજપના મેન્ડેટ સામે પડનારા પૂર્વ MLA કેસરીસિંહ જીત્યા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
માતરમાં ભાજપના મેન્ડેટ સામે પડનારા પૂર્વ MLA કેસરીસિંહ જીત્યા 1 - image


- ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર : કોંગ્રેસ-ભાજપની બે-બે બેઠકો પર જીત

- કઠલાલ બેઠકમાં ટાઇ પડતા ચીઠ્ઠી ઉછાળી, ભાજપની જીત : કેસરીસિંહને 16 અને ભાજપના ઉમદવાર ભગવતસિંહ પરમારને 12 મત મળ્યા

નડિયાદ, કઠલાલ : ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળની ૧૩ બેઠકો પૈકી અગાઉ ૮ બેઠકો બિનહરીફ થઈ હતી. બાકી રહેલી પાંચ બેઠકો માટેની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં બે બેઠકો પર કોંગ્રેસ, એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યની જીત થઈ હતી. જ્યારે કઠલાલની બેઠક પર ટાઈ થતાં બાળકીના હાથે ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. સંઘની ૧૩ બેઠકમાંથી ૧૦ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. 

ખેડા જિલ્લા સહકારી સંઘની કુલ ૧૩ બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાયું હતું. અગાઉ ૮ બેઠકો ભાજપે બિનહરીફ કરી લેતા બાકી રહેલી પાંચ બેઠકો માટે ગત શનિવારે ચૂંટણી યોજાઈ હતી. પાંચ બેઠકોનું મંગળવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં નડિયાદ અને કપડવંજની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે મહુધા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. 

જ્યારે કઠલાલ બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સોલંકી અને સુરસિંહ ચેહરજી રાઠોડને ૧૫-૧૫ મતો મળ્યા હતા. જ્યારે કાંતાબેન શનાભાઈ સોઢાપરમારને ૩ મત મળ્યાં હતાં. જેથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ થતાં નાની બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ગોપાલભાઈનું નામ ખૂલતા આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી. 

જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બહુચર્ચિત માતર બેઠક પર સૌની નજર હતી. માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પક્ષમાંથી બળવો કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. સામેપક્ષે ભાજપે ભગવતસિંહ પરમારને મેદાને ઉતાર્યા હતા. ભાજપના અનેક પ્રયાસો છતાં કેસરીસિંહને ૧૬ અને ભગવતસિંહને ૧૨ મત મળતા ભાજપના ઉમેદવારની હાર થઈ હતી અને પક્ષમાં બળવો કરનારા કેસરીસિંહનો વિજય થયો હતો. જ્યારે કેસરીસિંહને પક્ષમાંથી દૂર કરવાની માંગ સાથે ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના કાર્યકરો નડિયાદ કમલમ ખાતે પહોંચ્યા હતા. 



Google NewsGoogle News