જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી-હપ્તાખોરીની ચરમસીમા વટાવી, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PMને લખ્યો પત્ર

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી-હપ્તાખોરીની ચરમસીમા વટાવી, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PMને લખ્યો પત્ર 1 - image


Junagadh BJP : રાજ્યના પૂર્વ મંત્રી અને એક સમયના કોંગ્રેસના પીઢ નેતા જવાહર ચાવડા હવે ભાજપમાં પણ વિદ્રોહના સૂર રેલાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 

જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ આમાં અપવાદ છે.

જિલ્લા ભાજપ પ્રમુખે વસૂલી-હપ્તાખોરીની ચરમસીમા વટાવી, પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હવે PMને લખ્યો પત્ર 2 - image

જવાહર ચાવડાએ લખ્યું કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બૅન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે). બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું 1. તાલાળા 2. વિસાવદર 3. જૂનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્સફર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને).

તેમણે જણાવ્યું કે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો 1. કનુભાઈ ભાલાળા 2. ઠાકરશીભાઈ જાવિયા 3. માધાભાઈ બોરીચા વગેરે એ વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી, ક્યાંક કોઈની રહેમ નજર હેઠળ દબાએએ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવુ પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે. 

તેમણે પત્રમાં લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે તેમણે અગાઉ કરેલી રજૂઆતની પાંચ ફરિયાદ પણ જોડી છે.


Google NewsGoogle News