પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ NDPS કેસમાં દોષિત જાહેર, પાલનપુર સેશન્સ કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે
Gujarat News: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને NDPSના કેસમાં દોષિત જાહેર કરાયા છે. આજે તેમને પાલનપુર એડી. સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર હતી. આ કેસમાં કોર્ટ હવે 28મી માર્ચના રોજ સજા સંભળાવશે.
ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ 1998માં બનાસકાંઠામાં DSP હતા. તે વખતે એક વકીલે નારકોટિક્સના બોગસ કેસમાં ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર મુક્યો હતો. એ વખતે આવા 8 કેસમાં વિવાદ થયો હતો. સંજીવ ભટ્ટ પર પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને તેમને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટની તથા પાલનપુરના તત્કાલીન PI વ્યાસની ધરપકડ કરી હતી.
જો કે પાછળથી પાલનપુર કોર્ટ દ્વારા PI વ્યાસને સાક્ષી બનાવીને 1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી. જે બાદ સંજીવ ભટ્ટે આ કેસમાં પોતાની તરફથી કેટલાક સાક્ષીને બોલાવવા માટે મંજૂરી માંગતી અરજી અગાઉ પાલનપુર કોર્ટમાં કરી હતી. જો કે પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી. જેથી તેમણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે આજે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કહ્યું હતું કે, કાયદાનો દુરુપયોગ કરનારાની અરજી સ્વીકારવા પાત્ર નથી.