Get The App

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન, તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બનેલા

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન, તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બનેલા 1 - image


Dr. Kamla Beniwal Dies : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી. તેમના નિધન પર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

વર્ષ 2009 થી 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે હતા કાર્યરત

કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927માં રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ગોરિર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજનેતા હતા. તેઓ ગુજરાત સહિત ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં તેઓ મહત્વના પદો સંભાળી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ 7 વખતના ધારાસભ્ય પદે રહ્યા હતા. રાજસ્થાનમાં તેમની લોકચાહના ખુબ હતી. તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યાં હતા. તેઓ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા.

11 વર્ષની ઉંમરમાં ભારત છોડો આંદોલનમાં લીધો હતો ભાગ

કમલા બેનીવાલ ઝુંઝુનૂમાં જ ભણ્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે ઇતિહાસ વિષયથી MAનો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલ સ્વિમિંગ, ઘોડેસવારી અને આર્ટ પ્રેમી હતા. તેમણે 11 વર્ષની ઉંમરમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમને દિવંગત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા તામ્રપત્રથી સન્માનિત કરાયા હતા. કમલા બેનીવાલ વર્ષ 1954માં 27 વર્ષની ઉંમરમાં વિધાનસભા ચૂંટણી જીતીને રાજસ્થાન સરકારમાં પહેલા મહિલા મંત્રી બન્યા. પૂર્વમાં અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષા અને કૃષિ મંત્રાલય સહિતના વિભાગોના મંત્રી રહ્યા. 

ડૉ. કમલા બેનીવાલજીના નિધનથી દુઃખી છું : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, 'ડૉ. કમલા બેનીવાલજીના નિધનથી દુઃખી છું. રાજસ્થાનમાં તેમની લાંબી રાજકીય કારકિર્દી હતી, જ્યાં તેમણે ખંતથી લોકોની સેવા કરી હતી. જ્યારે તેઓ ગુજરાતના રાજ્યપાલ હતા અને હું મુખ્યમંત્રી હતો ત્યારે મારી તેમની સાથે અસંખ્ય વાતચીત થઈ હતી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન થવા પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું કે, 'ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. મારી સંવેદના તેઓના શોક સંતપ્ત પરિવારજનોની સાથે છે.  ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ॐ શાંતિ.'



Google NewsGoogle News