લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ફરી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ફરી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું 1 - image


Gujarat Congress : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે. જેમાં તેમણે અંગત કારણો સર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તળપદા કોળી સમાજના આગેવાન અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

અંગત કારણોસર હું રાજીનામું આપું છું : સોમાભાઈ પટેલ

સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે, 'હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી. મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે. મહત્વનું છે કે, આ રાજીનામાં પત્ર શક્તિસિંહ ગોહિલ સહિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૌશાદ સોલંકીને પણ મોકલ્યો છે.' તો સોમાભાઈ પટેલે કહ્યું કે, 'હું ચૂંટણી લડવાનો નથી.'

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ફરી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું 2 - image

તેઓ આ અગાઉ પણ કરી ચૂક્યા છે પક્ષપલટો

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ વખત સોમાભાઈ પટેલ સાંસદ રહ્યા 

સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ સોમાભાઈ પટેલ સાંસદ બન્યા હતા. સોમાભાઈ પટેલ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારી કરી હતી અને આ બેઠક પર પહેલીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમાભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પણ સોમાભાઈ પટેલ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમાભાઈ પટેલ આ બેઠક પર વિજેતા થયા હતા. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે સોમાભાઈ પટેલને ટિકિટ આપી હતી, જેમાં તેમણે જીત મેળવી હતી. જો કે, ત્યારબાદ સોમાભાઈ પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

વર્ષ 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પરથી તેમને ટિકિટ આપી જેમાં તેમનો વિજય થયો હતો. તેઓ સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમાભાઈ ગાંડાને ઉતાર્યા હતા. 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમાભાઈ ગાંડા ધારાસભ્ય પણ બની ગયા હતા. સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભ્ય પદેથી કોંગ્રેસે સોમાભાઈ ગાંડાને રાજીનામુ અપાવ્યું હતું. ત્યારબાદ લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમાભાઈ ગાંડાએ તેમના દીકરાને ટિકિટ અપાવી પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમાભાઈ ગાંડાનો દીકરો હારી ગયો હતો.

વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોમાભાઈ પટેલ લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે બાદમાં વર્ષ 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી સોમાભાઈ પટેલે રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ પટેલે વઢવાણમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં તેમણે ફોર્મ પરત લીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા.

વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ સોમાભાઈ પટેલે કોંગ્રેસના લીંબડીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસે તાત્કાલિક સોમાભાઈ પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સોમાભાઈ પટેલ ફરી રાજનીતિમાં સક્રિય થયા હતા. તેઓ કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળતા હતા. આ દરમિયાન તેમણે કહેલું કે, 'કોંગ્રેસે મારું સસ્પેન્શન પરત ખેંચ્યું છે. હું ભાજપમાં ક્યારેય જવાનો નથી.' ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024 પહેલા ફરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર બેઠક પર લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે.


Google NewsGoogle News