કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલના કેસરિયા, પાટીલે કહ્યું- 'રાજીનામું આપવા જીગર જોઈએ...'
Gujarat Politics: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ત્યારે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ અને સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને છોડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો છે. આ દરમિયાન સી.આર. પાટીલે કહ્યું કે,'દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઈએ.'
શનિવારે વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. વિધાનસભા ચૂંટણી વખતે ભાયાણીએ આપેલા નિવેદનો ફેરવીને ભાજપના વખાણ કર્યા હતા. આ ઉપરાંત કેશોદના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણી સહિતના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા હતા.
જાણો ચિરાગ પટેલની રાજકીય કારકિર્દી
આજે ભાજપમાં જોડાયેલા ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. ચિરાગ પટેલ 2022માં ખંભાત બેઠકથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે અને સાથે સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે.