Get The App

ચૂંટણી પરિણામ બાદ રૂપાણીનો મોટો ધડાકો, ગુજરાત ભાજપ પ્રમુખે આવું કરવાની ક્યાં જરૂર હતી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પરિણામ બાદ રૂપાણીનો મોટો ધડાકો, ગુજરાત ભાજપ પ્રમુખે આવું કરવાની ક્યાં જરૂર હતી 1 - image


Lok Sabha Elections 2024: દેશની ચૂંટણીમાં મહત્ત્વના રાજ્યોમાંના એક પંજાબમાં 13 પૈકી ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નથી. તો કોંગ્રેસને સૌથી વધારે સાત તથા ઈડીએ જેમની ભ્રષ્ટાચારના ગુનામાં ધરપકડ કરી તે કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ પંજાબના મતદારોએ ત્રણ બેઠક પર વિજય અપાવ્યો છે. આ અંગે પંજાબમાં ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કરતા તેમણે કહ્યું કે, ‘પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોનો રોષ હતો, સરકાર સામે કિસાન આંદોલન ચાલી રહ્યું છે, પંજાબમાં આમ પણ ભાજપને જીતવું મુશ્કેલ જ હતું, કેટલાક ગામોમાં તો ખેડૂતો ભાજપને પ્રવેશવા પણ દેતા ન હતા, જેથી ત્યાં એક પણ બેઠક મળી નથી.’

ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટો પ્રોબ્લેમ છે

પરંતુ, ભાજપ જ્યાં જંગી બહુમતી માટે અતિ આશાવાદી હતો તે ઉત્તર પ્રદેશમાં રામ જન્મ ભૂમિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં અયોધ્યા સહિતની બેઠકો પર કારમો પરાજ્ય કેમ મળ્યો. આ અંગે તેમણે કહ્યું કે 'ઉત્તર પ્રદેશમાં પક્ષ માટે કોઈ મોટો પ્રોબ્લેમ છે, હાલ કશું કહી શકાય નહીં પણ થોડા દિવસોમાં તે જાણી શકાશે.' 

ગુજરાતમાં ક્લિન સ્વિપ શક્ય ના બન્યું 

ભાજપને ગુજરાત જેવા રાજ્યોમાં પણ નાનું-મોટું નુકસાન થયું છે અને બીજી તરફ વારંવાર 400 પારની વાતો થતી હતી. આ અંગે રૂપાણીએ કહ્યું કે ‘ભાજપ દિલ્હીમાં સાતેય બેઠકો મળી તો મુંબઈમાં જ માત્ર એક બેઠક મળી, ઉત્તર પ્રદેશમાં મોટું નુકસાન ગયું. ગુજરાતમાં ક્લિન સ્વિપના બદલે એક બેઠક ગુમાવી. ત્યારે એકંદરે આ પરિણામ ભાજપ માટે આશ્ચર્યજનક છે, આવું કોઈએ ધાર્યું ન હતું. ચૂંટણી પૂર્વે 400 પારનો નારો તો મોવડી મંડળે ઉપરથી સમગ્ર દેશમાં આપ્યો હતો.'

આવો લક્ષ્યાંક આપવાની જરૂર જ ન હતી

ગુજરાતમાં પાંચ લાખની લીડનું સપનું સાકાર નથી થયું અને સૌરાષ્ટ્ર- કચ્છની આઠ બેઠકમાંથી તો એક પણ બેઠક પર પાંચ લાખની લીડ મળી નથી. આ અંગે તેમણે ઉમેર્યું કે 'પ્રદેશ ભાજપ પ્રમુખે પાંચ લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો હતો, પરંતુ આવો લક્ષ્યાંક આપવાની જરૂર જ ન હતી. કારણ કે અતિ ઉંચો લક્ષ્યાંક અપાય તો તેની સાથે વાસ્તવિક પરિણામની સરખામણી થતી હોય છે.'


Google NewsGoogle News