ભાજપના કોર્પોરેટરને ઠગનાર પૂર્વ ચેરમેન અને સાગરીત ફરાર,જમીન માલિક બનેલા જામાજી પાસે 5 લાખ રીકવર કરાશે
વડોદરાઃ વડોદરા પાસે આવેલા સુખલીપુરા ગામની જમીનના સોદામાં ભાજપના કોર્પોરેટરને ઠગનાર કોર્પોરેશનની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપના સક્રિય કાર્યકર તેમજ તેના સાગરીતને શોધવા પોલીસે દરોડા પાડયા છે.
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીનનો સોદો કર્યા બાદ મૂળ જમીન માલિકની જાણ બહાર બોગસ જમીન માલિકને હાજર રાખી જમીનના દસ્તાવેજ કરાવી લેવાના બનાવમાં સમા પોલીસે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગણપત સિંહ ગોહિલ(રામ પેલેસિયો,ઇસ્કોન હેબીટેડ પાસે,ન્યુ અલકાપુરી) અને સૂત્રધાર કમલેશ લાલજીભાઇ દેત્રોજા(વાત્સલ્ય કુંજ,નારાયણ વાડી પાસે,ગોત્રી) સામે ગુનો નોંધ્યો છે.
ડીસીપી પન્ના મોમાયાએ આરોપીઓને શોધવા માટે બે ટીમો બનાવી છે.જે પૈકી પીઆઇ એમ બી રાઠોડની ટીમે જમીન માલિક તરીકે હાજર રહેલા કમલેશના કાકાની જમીન સાચવતા જામાજી પૂજાજી સોઢા(ફતેપુરા, દલવાડી ફાર્મ પાસે,નડિયાદ)ને ઝડપી પાડતાં તેણે રૃ.પ લાખમાં આ કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.જેથી તેની પાસે રકમ રિકવર કરવા માટે તજવીજ કરાઇ છે.
પોલીસની ટીમે બંને આરોપીને શોધવા માટે તેમના રહેઠાણ અને અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી.પરંતુ તેઓ મોબાઇલ બંધ કરીને ફરાર થઇ ગયા હોવાથી બહારગામ પણ ટીમ મોકલવાની તૈયારી કરાઇ છે.બંને ભેજાબાજોની બીજા પણ કૌભાંડોમાં સંડોવણીની આશંકા વ્યક્ત થઇ રહી છે.