Get The App

ધર્મ ભૂલીને બજાવ્યો માનવતાનો ધર્મ: સમાજ સેવિકાએ વૃદ્ધાશ્રમની મુસ્લિમ મહિલાને દફનાવી, હિન્દુ મહિલાને અગ્નિદાહ આપ્યો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ધર્મ ભૂલીને બજાવ્યો માનવતાનો ધર્મ: સમાજ સેવિકાએ વૃદ્ધાશ્રમની મુસ્લિમ મહિલાને દફનાવી, હિન્દુ મહિલાને અગ્નિદાહ આપ્યો 1 - image


Surat News : સુરતના એક વૃદ્ધાશ્રમમાં થોડા સમયના અંતરમાં આશ્રમમાં રહેતા એક - મુસ્લિમ અને એક હિન્દુ વડીલનું અવસાન થયું હતું. આ અવસાન બાદ વૃદ્ધાશ્રમના મહિલા સંચાલકોએ જ બંને વડીલની અંતિમ વિધિ તેમના ધર્મ મુજબ કરી હતી. આ અંતિમ વિધિમાં 'મઝહબ નહીં શિખાતા આપસ મે બૈર રખના' નું સૂત્ર આકાર થતું જોવા મળ્યું હતું, આશ્રમની મહિલા સંચાલકોએ આશ્રમની મહિલાઓના હિન્દુ અને મુસ્લિમ બંને વિધીથી અંતિમ સંસ્કાર કર્યા હતા.

સુરતના  છાપરાભાઠા- અમરોલી રોડ પર શાંતિદૂત વૃદ્ધાશ્રમ આવેલો છે, જેમાં સમાજથી તરછોડાયેલા અથવા જેમનું કોઈ નથી તેવા વૃદ્ધોની સાર સંભાળ લેવામાં આવે છે. આ આશ્રમનું સંચાલન રાજકારણ માંથી સમાજ સેવિકા બનેલા મધુબેન ખેની કરી રહ્યાં છે. તેઓ ન્યાત જાત અને ધર્મના ભેદભાવ ભુલીને આશ્રમમાં રહેતા વડીલોના દીકરા હોય તેવી રીતે સેવા કરી રહ્યાં હતા.  શુક્રવારે આ આશ્રમમાં રહેતા તસ્લીમ  સૈયદ ( ઉ. વ 85) અને પોલીસ જેમને મુકી ગઈ હતી તેવા શકુંતલા બા ( ઉ.વ. 85)નું થોડા થોડા સમયે નિધન થયું હતું. 

આશ્રમના બધા મહિલા સંચાલકોએ પહેલા તસ્લીમ સૈયદના જનાજાને કાંધ આપી શ્રી રામ.. શ્રી રામ બોલીને નાનપુરા કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા અને દફનવિધી કરી હતી. ત્યારબાદ શકુંતલા બાને કાંધ આપી અશ્વિકુમાર સ્મશાનભૂમિ ખાતે લઈ જઈ અંતિમકિયા કરી હતી. આમ એક જ આશ્રમમાં રહેતા બે અલગ અલગ ધર્મના વડીલોના મૃત્યુ થયા ત્યારે સંચાલકોએ ધર્મ ભૂલીને માનવતાનો ધર્મ બજાવ્યો હતો અને અંતિમ વિધી કરી હતી. બંનેને તેમના ધર્મ મુજબ મોતનો મલાજો જાળવીને સન્માનપૂર્વક અંતિ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

ધર્મ ભૂલીને બજાવ્યો માનવતાનો ધર્મ: સમાજ સેવિકાએ વૃદ્ધાશ્રમની મુસ્લિમ મહિલાને દફનાવી, હિન્દુ મહિલાને અગ્નિદાહ આપ્યો 2 - image

મધુબેન ખેનીએ કહ્યું હતું કે, મારે નાતજાત સાથે કોઈ લેવાદેવા નથી મારા માટે મારી મા હતા પછી ભલે તે કોઈપણ નાત ના હોય. રામ નામનું તિલક કરી માતાજીની દફન વિધિ કરવામાં આવી જ્યારે અન્ય માજીને પણ રામ નામ સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે.  અમારા માટે સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે. તેને અપનાવીને અમે વૃદ્ધાશ્રમમાં વડીલોની સેવા કરી રહ્યા છીએ. 

જોકે, નાનપુરા કબ્રસ્તાનમાં દફનવિધી વેળા અમને જોડાવાની ના પાડી હતી. પણ અમે દોઢ વર્ષથી માજીની સેવા-ચાકરી દિકરાની જેમ કરાવાતા હતા તેથી અમારે જ અંતિમ વિધિ કરવી છે કહેતા થોડી રકઝક બાદ અમને જોડાવા દીધા હતા. લોકોએ પણ ધર્મના વાડા ભૂલીને આવા સહભાગી થવું જોઇએ.


Google NewsGoogle News