આંદોલનકારીઓએ આખી રાત વરસાદમાં કાઢી, વહેલી સવારે ગાંધીનગર પોલીસ ઉપાડી ગઇ
Forest Recruitment Agitators by Gandhinagar police : ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી માટે ગાંધીનગરના સેક્ટર 11ના રામ કથા ગ્રાઉન્ડમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા 100 જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા આજે વહેલી સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. સોમવારે રામ કથા ગ્રાઉન્ડમાં એકઠા થઈ સરકાર સામે મોરચો ખોલીને બેઠેલા ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલાં શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગમાં બીટ ગાર્ડની 823 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં CBRT (Computer Based Recruitment Test) પરીક્ષા પદ્ધતિને કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની વાત બહાર આવી હતી. જેના કારણે ઉમેદવારોએ સરકાર સામે રાજ્યભરમાં મોરચો માંડ્યો હતો અને આવેદનપત્રો અને રજૂઆતોની શરૂઆત કરી દીધી હતી જેમાં ઉમેદવારો સોમવારે ગાંધીનગર સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા.
આ પણ વાંચો : CBRT પદ્ધતિ રદ કરવાની માંગ સાથે ફોરેસ્ટની ભરતીના ઉમેદવારોનું ગાંધીનગરમાં પ્રદર્શન
રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓને પણ મેદાન પર ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામ કથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસ કાર્યવાહી કરી ન હતી.
આ પણ વાંચો : મુખ્યમંત્રીને મળવાના દરવાજા બંધ : શિક્ષક ઉમેદવારનું સચિવાલયના ગેટ ઉપર રુદન
ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્ય ભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. રાત્રિભર ઉમેદવારો ખુલ્લા મેદાનમાં વરસાદી માહોલમાં સૂઈ રહ્યા હતા. પરંતુ સવારે પોલીસનો કાફલો મેદાન ઉપર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા અને પોલીસના વાહનોમાં મગોડી ખાતે આવેલા રાજ્ય અનામત પોલીસ દળ - SRPF ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા.