PF અને RFની જમીન મુદ્દે ગામડાઓમાં રોફ જમાવતું વનતંત્ર
વૃક્ષ વાવવા માટે લીધેલી જમીનને તબદીલ કરી દીધી સિંહો માટે અભયારણ્ય ટૂંકું પડતું હોવાથી ગીર પંથકના અનેક ગામડાંઓની સરકારી જમીન લઈ લેતાં સ્થાનિકોને મુશ્કેલી
જૂનાગઢ, : ગીરના ગામડાઓમાં સરકારી ખરાબો, ગૌચર સહિતની જમીનને વૃક્ષ વાવવા માટે અગાઉ વનતંત્રએ લીધેલી હતી. બાદમાં તે જમીનોને પીએફ અને આરએફ તરીકે જાહેર કરી દેતા ગીરની નજીકના સેંકડો ગામ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપો છે કે, યેનકેન પ્રકારે ગ્રામ પંચાયતોમાંથી ઠરાવ કરાવી જમીન લઈ લીધા બાદ હવે તેના પર કબ્જો કરી વનતંત્ર આસપાસના ખેડૂતોને અને ગ્રામજનોને બાનમાં લે છે. આવી નીતિના કારણે જ ગામડાના લોકો ઈકો ઝોનનો વિરોધ કરવા મજબુર બન્યા છે. વર્ષો અગાઉ વન વિભાગે ગીરની આસપાસના ગામડાઓમાં સરકારી જમીનમાં વૃક્ષ વાવેતર કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. ધીમે-ધીમે આવી જમીનોનો વનતંત્રએ કબ્જો લઈ લીધો છે. સિંહો માટે અભયારણ્ય ટુંકુ પડી રહ્યું છે જેથી ગીરની આસપાસના ગામડાઓની વૃક્ષો વાવવા માટે લીધેલી જમીનોને રેવન્યુ રેકર્ડમાં યેનકેન પ્રકારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ(રક્ષીત) અને રિઝર્વ ફોરેસ્ટ(અનામત) કરાવી લેવામાં આવી છે. જે ગામમાં પીએફ કે આરએફની જમીન હોય ત્યાં વનતંત્ર કાયદાનો દંડો પછાડી સ્થાનિકોને હેરાન કરતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વિસાવદર, મેંદરડા, તાલાળા પંથકના અનેક ગામડાઓમાં અગાઉ સરકારી ખરાબો અને ગૌચર જમીનનો હતી તેને પીએફ અને આરએફમાં તબદીલ કરાવી નાખી છે. આ જમીનો જો પીએફ કે આરએફ ન થઈ હોત તો ગામના પશુધનને લાભકારક બની શકત, ગામના અન્ય કામ માટે આવી શકે તે હતી.
પરંતુ વનતંત્રનો કબ્જો થઈ જતા આ જમીન ગામડાઓ માટે બિનઉપયોગી બની ગઈ છે. આવી સ્થિતિનો ગંભીર રીતે ભોગ બનેલા મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામના સ્થાનિકોએ અને સરપંચ જગદિશભાઈ સોલંકીએ રોષભેર જણાવ્યું હતું કે, અમારા ગામની સરકારી જમીન જે વર્ષ 2019 સુધી સરકાર હસ્તક હતી તે જમીન હવે વનતંત્રએ લઈ લીધી છે. આ જમીન લઈ લેતા મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કેમ કે, વનતંત્રના કબ્જામાં રહેલી જમીનમાંથી 80 જેટલા ખેડૂતોનો રસ્તો હતો. હવે વનતંત્ર દાદાગીરી કરી ખેડૂતોને તેણે લઈ લીધેલી જમીનમાં ચાલવા દેતા પણ નથી. આવી સ્થિતિના કારણે નાની ખોડીયાર ગામના ખેડૂતો વનતંત્રથી ત્રાહીમામ બની ગયા છે. આ ઉપરાંત ગામમાં અન્ય કોઈ સરકારી જમીન ન હોવાથી એકપણ વિકાસનું કામ થવા દેવામાં આવતું નથી.
નાની ખોડીયારની જેમ જ જૂનાગઢ તાલુકાના વડાલ, ભીયાળ, તોરણીયા, વિસાવદર તાલુકાના બરડીયા, જાંબુડા સહિતના સેંકડો ગામ પીએફ અને આરએફની જમીનના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. પીએફ અને આરએફની જમીનમાં ગામના માલઢોર તથા વન્યપ્રાણીઓ માટે પાણીના અવેડા પણ બનાવવા દેવામાં આવતા નથી. સ્થાનિકો રોષભેર કહે છે કે, પાણીનો અવેડો બનાવવાથી શું વન્યપ્રાણીઓને નુકસાન થવાનું છે ? જંગલને નુકસાન થવાનું છે ? આવા જડ નિયમોથી રોફ જમાવવા માટે વનતંત્રએ અત્યાર સુધી સ્થાનિકો પર જે દાદાગીરી કરી છે તેના લીધે જ ઈકો ઝોનનો વિરોધ ફાટી નીકળ્યો છે.