જામનગર શહેર જિલ્લામાં ચાઈનીઝ દોરા-પ્લાસ્ટિક પતંગોના સંદર્ભમાં ફોરેસ્ટ વિભાગનું સામુહિક ચેકિંગ
Jamnagar Kite Festival : જામનગર જિલ્લા કરુણા અભિયાનના નોડલ ઓફિસર ફોરેસ્ટ અધિકારી આર.બી.પરસાણાની રાહબરી હેઠળ જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં પક્ષીઓને બચાવવાના ભાગરૂપે ચાઈનીઝ દોરા અને પ્લાસ્ટિકના પતંગો વગેરેના વેચાણ સંદર્ભે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ફોરેસ્ટ વિભાગની જુદી-જુદી ત્રણ ટીમો બનાવીને શહેર જિલ્લામાં દોડતી કરાવાઈ છે, અને તમામ પતંગ દોરાના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરી ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિકની પતંગો, તેમજ કાચ પાયેલા દોરા અને તુકકલનું વેચાણ નહીં કરવા માટેની સખત સુચના આપવામાં આવી છે.
જો કે હજુ સુધી કોઈ આવી સામગ્રી જપ્ત કરવામાં આવી નથી, પરંતુ કોઈ વિક્રેતાઓને ત્યાં ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિક પતંગ અથવા તુકકલ નજરે પડશે તો તે તુરંત કબજે કરી લેવામાં આવશે, અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી 14 જાન્યુઆરી સુધી સતત અલગ-અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે.
ગઈકાલે જામનગર શહેરના ગોકુલ નગર, ખોડીયાર કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક, સાત રસ્તા સહિતના અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું.