વધુ ઉગ્ર બન્યું ફોરેસ્ટ બીટ ગાર્ડનું આંદોલન : આજે ત્રણ ગણા ઉમેદવારો જોડાયા, SRPFને સોંપાયો બંદોબસ્ત
Protest For Cancellation of CBRT System: તાજેતરમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જેના વિરોધમાં આંદોલન કરી રહેલા 200 જેટલાં આંદોલનકારી ઉમેદવારોની આજે (6 ઓગસ્ટ) વહેલી સવારે ગાંધીનગર પોલીસે સેક્ટર 11 રામકથા મેદાનથી ધરપકડ કરી હતી. આ ધરપકડના પગલે તેમજ સરકાર સાથે સીબીઆરટી મુદ્દે કોઈ નિરાકરણ ના આવતા અન્ય ઉમેદવારો એ ગાંધીનગર વિધાનસભા સામે આવેલા સ્વર્ણિમ પાર્કમાં ફરીથી આંદોલન શરૂ કરી દીધું હતું.
ગાંધીનગરમાં ચાલી રહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીના આંદોલન મુદ્દે સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન આપવામાં આવતા હવે પોલીસ અને ઉમેદવારો વચ્ચે વાટાઘાટો અને ચર્ચા થઈ રહી છે. જો કે, સરકારના એક ઉચ્ચ અધિકારીએ ઉમેદવારોના આંદોલન મુદ્દે ચર્ચા કરવાની ના પાડતા આંદોલન શરૂ થઈ ગયું હતું. આ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં લાગુ કરેલ CBRT - કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ રદ કરવા, ભરતીમાં મેરીટના લાગુ કરેલ નોર્મલાઇઝેશન રદ કરવા, બેઠકો વધારવા અને સરકારને તાત્કાલિક ઉમેદવારોના માર્કસ રજૂ કરવા મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ તાઇવાનના ખાડાને ગુજરાતનો ગણાવવો ભારે પડ્યો, નડિયાદના વેપારીને ક્રાઇમ બ્રાન્ચ પકડી ગઈ
SRPFને સોંપાયો બંદોબસ્ત
સ્વર્ણિમ પાર્કમાં આંદોલન કરનારા ઉમેદવારોની વધતી સંખ્યાના પગલે ગાંધીનગર પોલીસના અધિકારીઓ, ગાંધીનગર SP પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત આ મામલે SRPFને બંદોબસ્ત સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ, પોલીસ દ્વારા આંદોલનકારીઓના એક પ્રતિનિધિ મંડળને મુલાકાત માટે ગાંધીનગર રેન્જ આઇજી પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં અધિકારીએ તેમને જણાવ્યું હતું કે તેમની માગ સરકાર સુધી પહોંચી ગઈ છે અને સરકાર ટુંક સમયમાં તેમની સમસ્યાનું ઉકેલ લાવશે. આ દરમિયાન ગાંધીનગર વિધાનસભાથી ઉમેદવારો સચિવાલય તરફ કૂચ ના કરે એ ભયથી પોલીસે આંદોલનકારીઓને સ્વર્ણિમ પાર્કથી સત્યાગ્રહ છાવણી ખાતે જતા રહેવા જણાવ્યું હતું જ્યાં સાંજ સુધીમાં રોજ કરતા ત્રણ ગણી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના નેતાઓને આ આંદોલનથી દૂર રાખવા સરકાર દ્વારા આંદોલનમાં રહેલા ઉમેદવારોને સૂચના પણ આપવામાં આવી છે.
શા માટે થઇ રહ્યો છે વિરોધ?
ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારોને સમયનું નુકસાન થવું, મોરલ ડાઉન થઈ જવું, નિરાશ થઈ જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી તેઓ નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થાઓ ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?
ફોરેસ્ટ ઉમેદવારોએ કર્યા આક્ષેપ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત અને ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં એજન્સી આ દાવાઓ પર ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.