સુરત જિલ્લા વકીલમંડળની ચુંટણીમાં સૌ પ્રથમવાર મહીલા પ્રતિનિધી ચુંટણી લડશે
સુરત સહિત દરેક જિલ્લાના બાર એસો.ને એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચુંટણી યોજવા બાર કાઉન્સિલનો નિર્દેશ
સુરત
સુરત સહિત દરેક જિલ્લાના બાર એસો.ને એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચુંટણી યોજવા બાર કાઉન્સિલનો નિર્દેશ
સુરત જિલ્લા વકીલમંડળના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની આગામી તા.20મી ડીસેમ્બરના રોજ યોજાનાર ચુંટણીમાં આ વર્ષે સૌ પ્રથમવાર મહીલા વકીલોના પ્રતિનિધીની ચુંટણી યોજાશે.અગાઉ બાર કાઉન્સિલનો વિગતવાર પત્ર ન મળ્યાનું જણાવનાર બાર એસો.ને હવે બાર કાઉન્સિલે એલઆરની પોસ્ટની ફરજિયાત ચુંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી સુરત સહિત રાજ્યના જિલ્લા વકીલમંડળમાં મહીલા વકીલોના પ્રતિનિધી માટે ચુંટણી યોજવાનું એક યા બીજા કારણોસર વિલંબમાં મુકાતું આવતું હતુ.સુરત સહિત રાજ્યભરના જિલ્લા વકીલમંડળના સભ્ય એવા મહીલા વકીલોના પ્રતિનિધીત્વ માટેની વર્ષો જુની માંગને હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ સહિતના હોદ્દેદારોએ મંજુરીની મહોર મારી છે.
અલબત્ત સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા એલઆરની પોસ્ટ માટે બાર કાઉન્સિલનો પત્ર મળ્યો ન હોવાનું જણાવી એલઆરની પોસ્ટ માટેની ચુંટણી યોજવા માટે અવઢવની પરિસ્થિતિ વર્તાતી હતી.પરંતુ ગઈકાલે મોડી રાત્રે બાર કાઉન્સિલ દ્વારા સુરત સહિત દરેક જિલ્લા વકીલ મંડળમાં એલઆરનો હોદ્દો ફરજિયાત અનામત રાખવા ઠરાવ કરીને મોકલી આપ્યો હતો.જે મુજબ દરેક જિલ્લા વકીલમંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યોની ચુંટણીની જેમ હવે મહીલા પ્રતિનિધીના હોદ્દા માટે પણ ચુંટણી યોજાશે.દરેક મતદાર અન્ય હોદ્દેદારોની જેમ એલઆરના હોદ્દાના સમકક્ષ ગણીને મતદાન કરવાનું રહેશે.
અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે સુરત જિલ્લા વકીલમંડળના હોદ્દેદારોની ચુંટણીમાં સૌ પ્રથમવાર કારોબારી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.જ્યારે આ વર્ષે ફરજિયાત એલઆરની પોસ્ટ માટે સૌ પ્રથમવાર ચુંટણી યોજાવામાં આવશે.જેના પગલે સુરત જિલ્લા વકીલ મંડળમાં નોંધાયેલા અંદાજે 1800થી વધુ મહીલા વકીલો છે.જેથી આ વર્ષે બાર એસો.ની ચૂંટણીમાં ઝુકાવનાર સૌ પ્રથમ એલઆર પદની દાવેદારી કોણ નોંધાવે તેના પર સૌની મીટ રહેશે.જો કે ગઈકાલે બાર એસો.ની સામાન્ય સભામાં અન્ય હોદ્દેદારોની ચુંટણી માટે નિયત કરેલા પ્રેકટીશના વર્ષો તથા અનુભવના મુદ્દે ઠરાવ કર્યો હતો.પરંતુ એલઆરની પોસ્ટ માટેની લાયકાત અને અનુભવના વર્ષોના મુદ્દે પણ હવે ફરીથી નિર્ણય લેવો પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.